ગુજરાતમાં એકના નિવેદનનો હોબાળો શાંત પડે તો બીજાનો શરૂ થાય. ત્યારે હવે મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશ ઓઝા દ્વારા કથા કહી રહ્યા હતા. ત્યારે ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી કથાકાર રમેશભાઈ ઓઝાએ ગૌવંશને રસ્તા પર રઝડતા છોડી દેનાર પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ સરકારને પગલા ભરવા કહ્યું છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.’
ત્યારે હવે આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. માલધારી મહાપંચાયત દ્વારા જાણીતા કથાકાર રમેશ ઓઝાનો બહોળી માત્રામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી સમાજના લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ મામલે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. નાગજી દેસાઈએ જણાવ્યું કે, ‘કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો અને જે ભાષા-શબ્દનો ઉપયોગ કર્યો છે, તે કથાકાર તરીકે અને ધાર્મિક સંત તરીકે દુર્ભાગ્ય પણ ગણી શકાય. આવા કથાકારો અને સંતોને કારણે 98 ટકા સારા સંતો અને કથાકારોને નીચું જોવું પડે છે. વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજને ઠપકો આપ્યો, વ્યાસપીઠની ગરીમા જ તેમને ખબર નથી કે તેની કેટલી મોટી ગરીમા છે.
નાગજી દેસાઈએ આગળ વાત કરી હતી કે વ્યાસપીઠ પરથી પશુપાલકોને તેમણે ઠપકો આપ્યો, એ ઠપકો ક્યારે વ્યાજબી ગણાય તેમણે સાથે-સાથે એ પણ કહેવાની જરૂર હતી કે, ગુજરાતના 2300 ગામમાંથી ગૌચર ગાયબ છે, તેને બે પગવાળા આખલા ગળી ગયા છે. પરંતુ તેમણે બસ માત્ર ગરીબોને જ ઠપકો આપ્યો.’ આ ઉપરાંત નાગજી દેસાઈએ કહ્યું કે, તાત્કાલિક રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજની માફી માંગવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કઈ રીતે આ વાતનું સમાધાન આવે છે અને મામલો થાળે પડે છે.