ઉનાળાની રજાના દિવસોમાં એક સાંજે પ્રદિપભાઈ તેમના પત્ની કિંજલબેન અને પુત્ર મંત્રને લઈને શહેરની મધ્યમાં આવેલ તળાવની પાળે ફરવા ગયાં હતાં. જ્યાં ફરતાં ફરતાં તેઓ તળાવની એક સાઈડ આવેલી ફૂડઝોનની શોપ પાસે પહોંચ્યા. પરંતુ તે સ્ટોલ પર ભાગ્યે જ કોઈ જોવા મળતું હશે એ સ્ટોલ પાસે આજે એકાએક ભારે માત્રમાં ટ્રાફિક જોઈ પ્રદિપભાઈ પણ ત્યા થોડા રોકાયા. આમ જોતા તો કોઈ કાર્યક્ર્મ હોય એવુ લાગી રહ્યું હતું કારણ કે કોઈ વ્યક્તિ વારંવાર માઇક્રોફોન મા કઈક બોલી રહ્યું હતું. પરંતુ આસપાસ એકત્રિત થયેલા લોકોની ભીડના અવાજના પરિણામે સ્પષ્ટ રીતે અવાજ સંભળાય રહ્યો ન હતો તેથી ત્યાં ઉભેલા એક વ્યક્તિને પૂછ્યું, ‘ભાઈ કોઈ દિવસ નહીં ને આજે અચાનક અહીંયા આટલા બધાં લોકો એકત્રિત થયા છે કંઈ સાંસ્કૃતિક કાર્યક્ર્મ છે કે શું?’ જેનો પ્રત્યુત્તર આપતાં તે ભાઈ બોલ્યા, ‘ભાઈ શું વાત કરો છો તમને કશો ખ્યાલ જ નથી અહીંયા શું ચાલે છે એ વિશે? ગજબ કરી હો તમે પણ. અહીંયા તો 89.6 રેડિયો રાજકોટ આયોજિત વેકેશન સ્પેશિયલ બાળકોની તેના માતા – પિતા સાથેની એક જોરદાર ઇવેન્ટ ચાલે છે અને આ કાર્યક્ર્મનું સંચાલન એક ખ્યાતનામ આર.જે કે જેઓએ તાજેતરમાં આંગણે આવેલા લોકશાહીના પાવન પર્વમાં લોકો જાગૃત થઈ અવશ્ય પણે મતદાન કરી એક યોગ્ય શાસકની પસંદગી કરે તે માટે સરસ મજાનું સોંગ લખ્યું છે. આટલું જ નહીં પણ આ સોંગ હાલ માત્ર રાજકોટમાં જ નહીં પણ ઘણા સ્થળો પર ધૂમ મચાવી રહ્યુ છું.’ તે અજાણી વ્યક્તિના મુખેથી નીકળેલા શબ્દો સાંભળીને પ્રદિપભાઈ અને તેના પરીવારને આ કાર્યક્રમ નિહાળવાની ઈચ્છુકતા થોડી વધારે જાગી એટલે તેઓ ધીરે ધીરે લોકોની ભીડની વચ્ચે રસ્તો કરતા કરતા તેઓ ઠેક આગળ સુધી પહોંચી ગયા ને પછી તો બીજો રાઉન્ડ શરૂ થતો હતો તેમાં તેઓએ ભાગ પણ લીધો. પરંતુ પેલા અજાણી વ્યક્તિએ કોઈ આર.જે. છે એટલું તો કહ્યું પણ વાસ્તવમાં આ આર.જે કોણ છે? કેવી રીતે તેઓ આર.જે. બન્યાં? આર.જે. બનવા સુધીની સફરમાં તેઓએ કેવાં કેવાં સંઘર્ષનો કરવા પડ્યાં છે વગેરે જેવી બાબતો હું તમને જણાવીશ. આવો એક ડૂબકી લગાવીએ આર.જે.ના જીવનમાં અને જાણીએ કેટલીક પ્રેરણાદાયક વાતો.
આજે આપણે જે આર.જે. ની સંઘર્ષ ગાથા વિશે જાણવાનાં છીએ એમની શરૂઆત કરીએ એ પૂર્વે એક વાત આપ સર્વને સ્પષ્ટ કરી દવ કે તેઓ પોતે અભ્યાસથી નહીં પણ પોતાના પેશનથી આર.જે. બન્યાં છે. જ્યારે તેમના વાસ્તવિક અભ્યાસ અને રેડિયોને આમ ગણીએ તો દુર દુર સુધી કોઈ સંબંધ નથી એવું કહી શકાય કારણ કે ધોરણ 10 પછી રાજકોટ ખાતે આવેલ Christ Polytechnic institute માં ડીપ્લોમા કમ્પ્યૂટર એન્જિનિયરીંગની પદવી મેળવે છે ને આગળ જતાં RK University માંથી કમ્પ્યૂટર એન્જિનિયરીંગની તરીકે સ્નાતકની ડિગ્રી મેળવે છે. જ્યારે આર.જે તરીકેની જર્નીમાં તો તેમણે પોતાના વોઈસ અને પોતાની અંદર રહેલી ક્રીએટીવીટીની કલા થકી તેમણે નામના મેળવી છે. આર.જે. વિશે આટલું વાંચ્યા બાદ આપ સર્વે લોકોનાં મનમાં એ નામ જાણવાની તાલાવેલી ખૂબ જાગી હશે. ખરું ને દોસ્તો? આગળ આપણે એમની કારકિર્દી વિશે જાણીએ એ પૂર્વે એના નામ અંગે વાત કરીએ તો તેમનું નામ છે આર.જે. દેવયાની જગડ કે જેઓ માત્ર 23 વર્ષની નાની ઉંમરે 89.6 રેડિયો રાજકોટ સાથે જોડાયને પોતાના અવાજનાં જાદુ થકી લોકોને રેડિયો સાંભળવા મંત્રમુગ્ધ કરી દે છે. આ ઉપરાંત તેઓ એન્કર તરીકે અન્ય પ્લેટ ફોર્મ પર પણ કાર્ય કરી રહ્યાં છે જેવા કે ‘સિટી ન્યુઝ રાજકોટ’ અને સાથે સાથે સોશિયલ મીડિયાના આ જમાનામાં સોશિયલ મિડિયાની અંદર ‘રંગ છે રાજકોટનાં’ પેઝ સાથે પણ તેઓ ફ્રીલેન્સ કાર્ય કરી રહ્યાં છે. તેમજ કોઈ પરિવારનાં આંગણે ઉજવાતા પ્રસંગો જેવા કે લગ્નોત્સવ, જન્મદિવસ ઉજવણી, ગર્ભસિમંત સંસ્કારની ઉજવણી વગેરે જેવા પ્રસંગોપાત દરમિયાન પણ દેવયાનીબેન એન્કર તરીકે કાર્ય કરે છે. ઘણી વખત કોર્પોરેટ દ્વારા આયોજિત થતા નાના – મોટા કાર્યક્રમોમાં પણ કાર્યક્રમ સંચાલનની શુકાન સંભાળે છે. પરંતુ વાત આટલેથી પૂર્ણ થતી નથી હો મિત્રો! કારણ કે આ કાર્યશીલ અને કઈક કરી જવાની ભાવના ધરાવતી આ છોકરીની આર.જે. તરીકેને જર્ની શરૂ થઈ તે પૂર્વે પણ જ્યારે તેઓ RK University માં અભ્યાસ કરતા તે સમયે અભ્યાસની સાથે સાથે ‘GTPL ગુજરાતમાં’ સાંજના ચારથી રાતનાં અગિયાર વાગ્યા સુધી ન્યુઝ એન્કર તરીકે કાર્ય કરતા હતાં. આટ-આટલું કાર્ય કરવા છતાં તેમનાં દ્વારા ઇન્ટરવ્યૂમાં મને કહેવામાં આવેલી એક વિશેષ વાત મને ખૂબ ગમી કે, તેઓ હંમેશા તમામ કાર્ય કરવામાં સમય મર્યાદા ક્યારેય ચૂકતા નથી. જ્યારે આજના સમયમાં તો આપણે ઘણાં લોકો પાસેથી પણ સાંભળવા મળતું હોય છે કે મારી પાસે સમય નથી ત્યારે એ તમામ લોકો માટે દિવ્યાનીબેન એક ઉદાહરણ રૂપ સાબિત થાય છે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ એક સ્ત્રીને સવારે જાગે ત્યારથી સાંજે સુવે ત્યાં સુધી ઘરકામની સાથે પોતાના સ્વપ્નને સાકાર કરવા કેટલી મહેનત કરવી પડે છે.
લેખની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં આપે જે વાંચ્યું એ દિવ્યાનીબેનની સંઘર્ષગાથી શરૂઆત પૂર્વેની વાતો હતી. જ્યારે વાસ્તવમાં તેઓ આર.જે. તરીકેની પોતાની કારકિર્દી ઘડવાની શરુઆત કંઈ રીતે કરી તે હવે આગળ આપણે જોઈએ. હા તો વાત જાણે એમ છે કે તેઓ જ્યારે Rk University માં અભ્યાસ કરતા તેની સાથે તેઓ GTPL માં પાર્ટ ટાઇમ વર્ક પણ કરતા. પરંતુ સમય સાથે તેને GTPL દ્વારા ફુલ ટાઇમ વર્ક કરવાની ઓફર મળે છે જે ખરેખર તેમના માટે એક સારી તક કહી શકાય પણ તેઓ આ ઓફર સ્વીકારતા નથી. જે પાછળનું કારણ છે તેમનો અભ્યાસ પ્રત્યેલી લગન. જો તેઓ જોબને પહેલી પસંદગી આપે તો ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં બાધારૂપ ન બને તેના પરિણામે તેઓએ GTPL ને છોડવું પડ્યું. પરંતુ કહેવાય છે ને જે વ્યક્તિને ખરેખર દિલથી કઈક મેળવવું છે એ વ્યક્તિ કયારેય બેસી રહેતો નથી. તે હંમેશા કંઈક ને કંઈક કાર્યની શોધમાં જ રહે છે. તેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય દેવયાનીબેન કારણ કે તેમણે GTPL છોડ્યું કે તરત જ અન્ય કાર્યની શોધમાં લાગી પડ્યાં. એવાં એક દિવસ તેમણે તેમના મિત્ર પાયલબેન રાઠોડ કે જેઓ 94.3 My FM માં પોગ્રામીંગ હેડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે તેમને બધી વાત કરે છે. સંપૂર્ણ વાત સાંભળ્યા બાદ પાયલબેને તેમને myfm માં ઇન્ટર તરીકે જોઈન કરીલે જેથી તને વર્ક પણ શીખવા મળશે અને સાથે નવું કઈક જાણવા પણ મળશે. આટલું સાંભળતા મે મનોમન થોડો વિચાર કર્યો કે શું કરવું ને ત્યાં જ મારી અંદરથી એક અવાજ આવ્યો, ‘અરે દેવ્યાની એમાં આટલો બધો વિચાર શું કરે છે? Myfm માં ઇન્ટર તરીકે જોડાવવું એતો એક અમુલ્ય અવસર કહેવાય. ચાલ હવે વિચારવાનું બંધ કર અને ઝડપથી આ પ્રસ્તાવને વધાવી જ લે.’ ત્યાં જ પાસે બેસેલી મારી મિત્ર પાયલ બોલી, ‘ ઓ મિસ દિવ્યાની ક્યાં ખોવાય ગયાં આટલાં બધાં વિચારોમાં? આમ ઓચિંતા જ કાને પડેલા અવાજથી હું વિચારોમાંથી બહાર આવી ને મેં ઇન્ટર તરીકે આવવાની હા કહી દીધી.’ આમ દિવ્યાનીની આર.જે. બનવાની સફર શરુ થઈ. વિશેષમાં દિવ્યાની બેન જણાવે છે કે, ‘પોતાની સફરને વધારે વેગવંતો બનાવવા માટે myfm માં કાર્યરત મારી સહેલી પાયલ રાઠોડની સાથે આર.જે. નૂપુર, આર.જે. હિરવા, આર.જે. ધારા અને સેલ્સ ટીમે પણ મને ખૂબ સહકાર અને પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત એક વાત હું ખાસ કહેવા માંગીશ કે આજે જ્યારે આર.જે. હું મને જોવશું ત્યારે ગર્વની લાગણી અનુભવુ છું તે માટે ખાસ MYFM ટીમનો દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે મારી કારકિર્દીના ઘડતરમાં આ સમગ્ર ટીમે મને પૂરતું જ્ઞાનનું રસપાન તો કરાવ્યું જ છે પણ તેની સાથે જરૂર પડે ત્યારે મને ઠપકો આપી મારા દ્વારા થતી ભૂલને અટકાવી મારી ભૂલને સુધારી છે.’ બાકી આપણે જોઇએ જ છીએ કે આ વિશાળ દુનિયામાં ભુલને સુધારવા કરતા ભૂલ શોધવા વાળા વ્યક્તિની સંખ્યાનું પ્રમાણ કેટલું વધારે છે. આમને આમ સમયનું કાળચક્ર ચાલતા ચાલતા દસેક માસ જેવો સમય વિતાવી ચૂક્યું છે અને ત્યાં જ એક દિવસની સવાર દિવ્યાનીબેનના જીવનમાં સોનેરી પુષ્પ બની ખીલી આવે છે, એટ્લે કે 89.6 રેડિયો રાજકોટમાં આર.જે. તરીકે જોડાવવાની તક સામે આવે છે. હર હંમેશની માફક સામેથી આવેલી તક પામવા દિવ્યાનીબેન રેડિયો સ્ટેશન પર ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે અને તેઓ ઇન્ટરવ્યૂમાં ઉતીર્ણ થાય છે કે તરત જ તેમને આર.જે. તરીકે જોડાવવા માટેનો ઓફર લેટર મળ્યોને ફાઈનલી તેમની આર.જે. તરીકેની યાત્રા શરૂ થઈ.
દિવ્યાનીબેન વિશે વિશેષમાં વાત કરું તો તેઓએ રાજકોટના પ્રખ્યાત રંગભૂમિનું મંચ કહી શકાય એવા હેમુગઢવી નાટય હોલની અંદર અનેક ગુજરાતી નાટકોમાં પણ કિરદાર ભજવી આપણા ગુજરાતી સાહિત્યની પ્રાચીનતમ નાટક કળાને જીવંત રાખવાનું ઉમદા કાર્ય કર્યુ છે. જેના પરથી એવું કહી શકાય કે અવાજની સાથે સાથે તેમનામાં અનેક કળાનો અખૂટ ખજાનો ભરપૂર માત્રામાં પડ્યો છે. આ બધામાં મહત્વની વાત તો એ છે કે એક્ટિંગ ક્ષેત્રે તેઓ આગળ વધે એ માટે તેઓ જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં તે દરમિયાન તેમના પિતાશ્રી દ્વારા જ તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પિતા દ્વારા આપેલ માર્ગદર્શન અનુસાર દિવ્યાનીબેન રાજકોટ ખાતે આવેલ નિર્લોક પરમાર દ્વારા સંચાલિત ઉત્સવ એક્ટિંગ એકેડમી જોઈન કરે છે કે જ્યાં નાટયક્ષેત્ર માં આગળ વધવા ઈચ્છુક લોકોને યોગ્ય દિશામાં તદન નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્યાંથી તેઓ સંપૂર્ણ તાલીમ મેળવી એક નવી દિશામાં એટલે કે રંગભૂમિના કિરદાર તરીકેની તેમની જર્ની શરૂ થાય છે.
આથી આગળ વાત કરીએ તો સામાન્ય રીતે દરેક સફળ વ્યક્તિના જીવનમાં સફળતા સુધી પહોંચવામાં કંઈક કંઈક એવો પ્રસંગ કે ઘટના બની હોય જે તેમના માટે એક નવી ઉમ્મીદ લઈને આવ્યું હોય. જ્યારે દિવ્યાનીબેનનાં કિસ્સામાં ગંભીર મુશ્કેલી કહી શકાય એવું કશું જ બન્યું નથી પણ હા તેઓ પોતાના ઇન્ટરવ્યૂમાં એક ખૂબ સરસ વાત જણાવી હતી કે તેઓ જ્યારે દસમું ધોરણ પૂર્ણ કરી ડિપ્લોમાં કમ્પ્યૂટર એન્જીન્યરીંગમાં પોતે અભ્યાસ અર્થે જોડાય છે જે દરમિયાન તેમની પાસે ન તો મોબાઈલ હતો કે ન તો કોઈ વિહિકલ હતું અને ઘરથી કૉલેજ પણ ઘણી દૂર હતી. તેમછતાં તેમણે ક્યારેય કૉલેજમાં આવતાં અન્ય વિદ્યાર્થીઓ કે મિત્ર સર્કલ પાસે મોબાઈલ કે બાઈક જોઈને તેઓએ ક્યારેય પોતાનાં પરીવાર સમક્ષ વસ્તુ મેળવવા માટે માટે જીદ નથી કરી. આપણે સૌ કોઈ સારી રીતે એ વાતથી વાકેફ છીએ કે કોલેજ કાળ એટલે દરેક વ્યક્તિનાં જીવનનો સુવર્ણ કાળ કહી શકાય જેને પરિણામે આજની જનરેશનમાં દેખાદેખીનો માહોલ વધ્યો છે. જેનાં કારણે આજની યુવા પેઢીના નેવુંથી પંચાણું ટકા યુવાનો દેખાદેખીમાં પારિવારિક પરિસ્થિતિને સમજ્યા વગર માત પિતા પાસે જીદ કરીને મોંઘી વસ્તું ખરીદવા મથામણ કરે છે અને મે તો એક પુત્રએ પોતાના માત પિતા પાસે ત્યાં સુધીની હદે જીદ કરેલ જોઈએ છે કે, ‘જો આપ મને આજ કંપનીનો મોબાઈલ નહીં લઈ દો તો હું આત્મહત્યા કરી લઈશ.’ (આ વાક્ય મારું બનાવેલ નથી પણ એ પુત્ર દ્વારા તેમના માત પિતા સમક્ષ બોલાયેલ એકદમ સત્ય શબ્દો છે. પરંતુ એ કોણ વ્યક્તિ છે એમનું નામ હું પ્રસ્તુત કરીશ નહીં.) જ્યારે દિવ્યાનીબેન આ બધાથી પર રહી પોતાની પારિવારીક પરિસ્થિતિ સમજીને માત્રને માત્ર પોતાની કારકિર્દીને ઘડવામાં જ પોતાનો સમય વિતાવ્યો છે. શાયદ આજે તેનું જ પરિણામ આપ સૌ કોઈ જોઈ શકો છો કે તેઓ અન્ય લોકોથી કઈ રીતે અલગ તરીકે આવે છે.
આજના આ સમયમાં મોબાઈલ આવવાથી કંઈ કેટલાંય સાધનો લુપ્ત થવા લાગ્યા છે. જેવા કે, કાંડા પર શોભતી ઘડિયાળનું બાળ મરણ થયું તો બીજી બાજુ બાળપણમાં રમાતી એવી રમતો કે જેના થકી આપણું સ્વાસ્થ્ય પણ એકદમ નિરોગી બની રહેતું તેનું પણ બાળપણ થયું. જ્યારે આધુનિક ટેકનોલોજીથી વિકસિત મોબાઈલ આવતાં ટેલિવિઝન અને રેડિયોનું પ્રમાણ થોડું નહિવત થતું જાય છે. આવા સમયે બાળપણથી જેઓ રેડિયો પ્રેમી રહ્યા છે એવા આર.જે. દિવ્યાનીબેન દ્વારા દરરોજ સાંજે 89.6 રેડિયો રાજકોટ પરથી તેમના સુમધુર અવાજમાં રફતારે રાજકોટ નામનો શો ચલાવી રહ્યાં છે. જેમાં તેમનો પ્રયાસ હંમેશા એવો જ રહ્યો છે કે આજની જનરેશન મોબાઈલ માંથી થોડી બહાર આવી ફરી રેડિયો સાંભળતા થાય અને વિચારતા જતા રેડિયોની યાદોને ફરી તાજા કરે. આજે આ લેખ લખતી વેળાએ મને મારો એ બાળપણનો દિવસ યાદ આવે કે જ્યારે હું મામાના ઘરે જતો ત્યારે ત્યાં મારા મામાના ઘરની એકદમ નજીક એક ફૂઈ કરીને એક માડી રહે. જેઓને ત્યાં રોજ સાંજે અમે તેમના ઓટલે બેસવા જઇએ તે સમય દરમિયાન ત્યાં રેડિયોમાં આકાશવાણીથી પ્રકાશિત થતા અવનવા કાર્યક્રમ પ્રકાશિત થઈ રહ્યાં જેવા કે બાળવાર્તા છે, ગામનો ચોરો નામની વાર્તા કોઈ એવા એવાં મસ્ત સુરીલા સંગીત આવતા હોય જે સાંભળવાની ખૂબ મજા પડતી. આમપણ તે સમયે આજના સમય જેટલા અન્ય રેડિયો સ્ટેશન શાયદ ન હતાં જેને પરિણામે આકાશવાણી લોકો વધારે સાંભળતા હશે. જ્યારે આજના સમયે તો અનેક રેડિયો સ્ટેશન સ્થપાય ગયા છે ને ત્યાં અનેક નામાંકીત લોકો પોતાના વોઇસ થકી હસાવી રહ્યાં છે, તો વળી કોઈ પોતાની વાણી થકી લોકોને મંત્ર મુગ્ધ કરે છે, તો અમુક આર.જે દ્વારા કઈક કેટલીક ઉપયોગી માહિતી આપવામાં આવતી હોય છે. એ મુજબ આર.જે. દિવ્યાનીબેનના શો ની શરુઆત કંઈક આ મુજબ હોય છે….
‘હવે બસ સાંજ થઈ ગઈ છે, તમે તમારો ટી ટાઈમ ટી ટાઈમ કાઢી અને થોડીવાર થોભી જાવ કારણ કે આખો દિવસ આપણા કામમાં લાગેલા હોય પણ સાંજે એક એવો સમય છે કે જ્યારે આપણે થોડી વાર રોકાતા હોય…’ આમ તેમના શો ની શરૂઆત થાય છે ને પછી રાજકોટનાં રસ્તાથી લઈને રંગીલા રાજકોટનાં લોકોની વાતો કરે છે. આજની યુવાપેઢીને ગમે એવા બોલીવુડને લઈને પોતાના શબ્દોમાં ઢાળીને વાતો કરે છે. આમ તેમનો શો રફતારે રાજકોટ આગળ ચાલે છે. જો આપે હજુ સુધી આ શો નથી સાંભળ્યો તો આ લેખ વાંચતાની સાથે જ આજની સાંજને તેમના અવાજથી રંગીન બનાવી દેજો મિત્રો.
લેખના અંતે દિવ્યાનીબેન દ્વારા આજની નારીને આપવામાં આવેલ એક નાનકડો સંદેશ તેમના જ શબ્દોમાં આપ સર્વે વાંચક મિત્રો સમક્ષ રજુ કરી મારી વાતને પૂર્ણવિરામ આપું. ‘અત્યારે દેશની આઝાદી પછી ઘણું બધું તંત્ર સુધરી ગયું છે પણ તેમ છતાંય ગામડાઓમાં જેટલી પણ સ્ત્રીઓ છે કે જે પોતાના સપના પૂરા કરવા માંગે છે. પરંતુ તે તે સપના પૂરા કરવા માટે પરિવારનાં સાથ સહકાર અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યારે હજુએ ઘણાં પરિવારની અંદર એવું પણ માનવામાં આવે છે કે ઘરની સ્ત્રી ઉંબરાની બાર ન શોભે એને તો માત્ર બસ રસોડું જ શોભે. આજનાં શિક્ષિત સમયમાં આવી અમાન્ય વિચારસરણી ધરાવતાં લોકોને હું માત્ર એટલું કહીશ કે અત્યારે આપણા રાષ્ટ્રનાયક એવા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી નું જે અભિયાન છે બેટી બચાવો બેટી પઢાઓ એ માત્ર શબ્દો નથી, પણ એક તાકાત છે. જો ઘરની સ્ત્રી એ ભણી ગણી અને આગળ આવશે તો એના ભવિષ્યની અંદર એના શોખ પૂરા કરી પોતાની સાથે બે પરિવારના ભવિષ્યને ઉજળું બનાવશે. પરિવારમાંથી કોઈ એવી વ્યક્તિ આગળ ન આવી હોય અને ઘરની કોઈ એવી સ્ત્રી આગળ આવવા માંગતી હોય તો હું એ ઘરની દીકરીનાં મા-બાપને અને તે ઘરના દરેક સભ્યોને એટલી જ સલાહ આપીશ કે એ સ્ત્રીને આગળ વધવા માટે માર્ગદર્શન આપી તેમની કાર્યશીલતા પર પ્રોત્સાહિત કરજો જેથી કરીને તમારા ઘરનું, પરિવાર, ગામ, શહેર, રાજ્ય અને દેશની સાથે સાથે સમગ્ર નારીઓનું સન્માન વધારશે.’
~ જયદિપ પી. પાઘડાળ, ‘શાશ્વત’