ગઈકાલે પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ખતમ થયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટમાં ભાજપની મંથન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન શહેરની એક બેઠકના ઉમેદવારે ખૂબ મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. જેના કારણ રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. તેમજ ઉમેદવારની વાતથી મંથન બેઠકમાં સોંપો પડી ગયો હતો.
સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે શહેરની એક બેઠકના ઉમેદવારે એવા આક્ષેપ લગાવ્યા છે કે ભાજપના જ કેટલાક નેતાઓએ તેમને હરાવવા માટેનું મોટું ષડયંત્ર રચ્યું હતું અને કેટલાક નેતાઓએ ભાજપના ખેસ પહેરીને અન્ય પક્ષ માટે મતદાન પણ કરાવ્યું હોવાની વાત સામે આવી હતી. જેના એમની પાસે પુરાવા પણ છે. જો કે આ ઉમેદવારે કોઈપણ નેતાનું નામ જાહેર કર્યું નથી. તેમણે પક્ષ વિરોધીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.
હવે માહોલ એવો છે કે ભાજપ ઉમેદવાર દ્વારા આ પ્રકારના આક્ષેપો લગાવતા હાલ ચર્ચા શરૂ થઈ છે. તો ભાજપે પણ ઉમેદવારના આક્ષેપોની ગંભીરતાથી નોંધ લીધી હોવાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જો આ આરોપો સાચા હશે તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?