અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બી.એ. સેમેસ્ટર 5ની પરીક્ષા ચાલી રહી છે. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સંસ્કૃત વિષય સાથે ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નાના-નાના પ્રશ્નો સામે પણ હથિયાર હેઠા મૂકીને હાર સ્વીકારી લેતા આજના યુવાનો માટે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી ચુકેલો ઉત્તમ મારું નામનો આ છોકરો પ્રેરણાનું ઝરણું બન્યો છે.
પરીક્ષા શરૂ થવાને થોડા દિવસ બાકી હતા અને ઉત્તમ એક સમસ્યાનો ભોગ બન્યો. એના ફેફસામાં લીકેજ થવાથી શરીરમાં હવા ભરાવા લાગી. તાત્કાલિક સર્જરી કરવી જરૂરી હતી. જો સર્જરી ન થાય તો મોટી મુશ્કેલી સર્જાય અને સર્જરી થાય તો પરીક્ષા ન આપી શકાય. પરીક્ષા તો કોઈપણ ભોગે આપવી જ હતી એટલે આવી વિકટ પરિસ્થિતિમાં ઉત્તમે સર્જરી પણ થાય અને પરીક્ષા પણ અપાય એવો વિકલ્પ અપનાવ્યો. એણે નક્કી કર્યુ કે સર્જરી બાદ ભલે બાટલો ચડાવવા માટે હાથમાં ઇન્જેક્શન હોય કે પેશાબની થેલી લટકતી હોય પણ એ સાથે પરીક્ષા કેન્દ્ર પર જઈને હું પરીક્ષા આપીશ.
ઉત્તમના આજે 4 પેપર પુરા થઈ ગયા. ઉત્તમ આંખોથી કશું જોઈ શકતો નથી એટલે નિસર્ગિ મહેતા નામની 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉત્તમની રાઇટર તરીકે એને મદદ કરે છે અને આ છોકરો એક હાથમાં ઇન્જેક્શન અને બીજા હાથમાં યુરિનની બેગ લઈને પરીક્ષા આપવા આવે છે.
આ એ જ ઉત્તમ મારું જે એના જન્મ વખતે એની બંને આખો, હોઠ અને તાળવું નહોતું. બંને મગજ પણ અવિકસિત હતા અને અમૂક લોકોએ તો એને ઇન્જેક્શન આપીને શાંત કરી દેવાની પરિવારને સલાહ આપી હતી. ઉત્તમના દાદા કુંવરજીભાઇ મારુની પ્રેરણા અને પુરુષાર્થથી 19 વર્ષનો ઉત્તમ ઇન્જેક્શનથી શાંત થઈ જવાના બદલે શાંત ચિત્તે ઇન્જેક્શન સાથે પરીક્ષા આપે છે. અત્યાર સુધીની બધી જ પરીક્ષાઓમાં એ ડિસટિંગ્સન સાથે પાસ થયો છે.
આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક, 11 ઉપનિષદ, પતંજલિ યોગસૂત્ર, નારદ ભક્તિસૂત્ર, પાણીનિના અષ્ટાઅધ્યાય સહિત અનેક ભજનો અને ગીતો કંઠસ્થ છે. ગાયન, વાદન અને હાર્મોનિયમમાં વિશારદ છે. તાળવાની સમસ્યા હોવા છતાં સારામાં સારો ગાયક છે. બાળકોને અપાતા દેશના સર્વોચ્ચ એવોર્ડ ‘બાલશ્રી એવોર્ડ’ સહિત અનેક પુરસ્કારો મેળવી ચુક્યો છે.