થોડા સપના પુરા કરવા છે.
થોડુ મંજિલોથી મળવું છે.
હજુ તો સફર શરુ છે.
મારે ખુબ દુર સુધી જવાનું છે.
પ્રિન્સી કળથીયા: સામાન્ય રીતે કોઈ પણ છોકરી માટે માન્યતા બાંધવામાં આવે છે કે છોકરીઓ એકલી કોઈ પણ જગ્યાએ ના જઈ શકે અને તેમની ડ્રાઈવિગને પણ હાસ્યને પાત્ર ગણવામાં આવતી હોય છે. ત્યારે આવી માન્યતાને તોડતી એક છોકરી વિશે આજે તમને વાત કરવી છે. ચાલો જાણીએ રાજકોટની I-20 ગર્લના નામથી આખા ગુજરાતમાં પ્રખ્યાત ટ્વિંકલ રાવલની કહાની.
ટ્વિંકલ રાવલ જયારે 15 વર્ષની હતી ત્યારથી તેમના પિતા તેમને બાઈક અને કારની ચાવી આપી દેતા હતા. તેમના પિતા ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. તેના કારણે કામ અર્થે આખા ભારતમાં ફરેલા હતાં. આથી ટ્વિંકલને પણ પોતાના પિતા સાથે બાળપણથી જ ઘણી રોડ ટ્રીપ કરવાનો લ્હાવો મળ્યો હતો. પરંતુ કોરોના કાળ દરમયાન તેમના પિતાનું અવસાન થયું હતું. આથી તેમને કયાંય જવાનું ન થતું, પછી તેમણે કોઈ વ્યકિત પર નિર્ભર રહેવાને બદલે પોતાની જાતે ભારત ભ્રમણનું સપનું જોયું અને આજે આખું ભારત ફરી પણ રહી છે.
ટ્વિંકલ કહે છે કે તેમની પ્રેરણા તેમના પિતા જ છે. પિતાના મૃત્યુ પછી ઘરની જવાબદારી સાથે-સાથે પોતાના સપનાઓ પર પણ ધ્યાન આપ્યું. તેઓ ઓટોમેટીક કાર કરતાં મેન્યુઅલ કાર ચલાવાનું વધારે પસંદ કરે છે. ટ્વિંકલ રાવલની ઉંમર 31 વર્ષની છે અને તેઓની OLD MANALIમાં બાયસ ગંગા નામની હોટલ પણ ચલાવી રહી છે. પિતાના અવસાન બાદ તેમણે ભારત ભ્રમણનું એક સપનું જોયું, પરંતુ સમાજના લોકોએ તેમના પગ ખેંચવાના ખુબ જ પ્રયત્નો કર્યા.
લોકો ટ્વિંકલને સવાલ કરતા અને પાછળથી વાતો કરતાં કે, એકલી છોકરી કેવી રીતે ફરી શકે, આ ઉંમરે ઘર સંભાળવાનુ હોય ફરવાનું તમને ના શોભે, લગ્ન પછી તમારા ઘરના સાથે ફરવા જજો. આવા ઘણા પ્રકારના મેણાં ટોણાં મારવામાં આવ્યા હતા, પરંતુ થંભી જાય એ ટ્વિંકલ રાવન નહીં… પોતાના વિચારો પર અડગ રહી પોતાના જ પૈસાથી I-20 કાર લીધી અને છેલ્લા ત્રણ વર્ષથી ટ્રાવેલિંગ કરી રહી છે.
તેણે અત્યાર સુધીમાં 30,000 થી 40,000 કીમી અને 9 થી 10 જેટલા રાજયોમાં ડ્રાઈવ કરી લીધું છે. સ્થળ વિશે વાત કરીએ તો કાર દ્વારા જ સોમનાથ, મનાલી, દિવ, દ્વારકા, કચ્છ, માઉન્ટ આબુ ઉજજૈન, ઔમકારેશ્વર, રાજસ્થાન, ઉદયપુર, જયપુર, અજમેર, ચંદીગઢ, હરીયાણા, ઉતરાખંડ, મસુરી, દહેરાદુન, કશ્મીર જેવા અનેક સ્થળોએ તેમણે પ્રવાસ કર્યો છે.
ટ્વિંકલ કહે છે કે ક્યારેક તો એવું પણ બને કે મે એક જ દિવસમાં 600 થી 700 કીમી જેટલું ડ્રાઈવ પણ કરેલું છે. તે અવાર-નવાર નાના-મોટા રસ્તાઓમાં ટ્રાવેલિંગ કરવાનું થતું હોય છે. ત્યારે ચંદીગઢમાં આર્મી મેજર દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરી તેમને પ્રોત્સાહીત કરવામાં આવી હતી. તેનું સપનું ભારત ભ્રમણ કરવાનું છે. કુદરતી જગ્યાઓ પર ટ્રાવેલ કરવું વધુ પ્રિય છે. લોકોએ બનાવેલી વસ્તુ કરતાં કુદરતે બનાવેલી વસ્તુની મુલાકાત લેવાનું ટ્વિંકલને વધારે ગમે છે.
ટ્વિંકલ માને છે કે દરેક મહિલાએ પોતાના જીવનમાં એક વાર તો અવશ્ય સોલો ટ્રીપનો અનુભવ કરવો જ જોઈએ. જેનાથી તમે નાની મુશ્કેલીઓથી ઘણુ બધુ શીખો છો. જયારે તમે એકલા મુસાફરી કરતા હોય ત્યારે ફક્ત તમારી સાથે તમારા જ વિચારો ચાલતા હોય છે. જેનાથી તમે તમારા વિચારો અને જાતને વધારે સારી રીતે સમજી શકો છો. સામાન્ય રીતે કોઈ મહિલા ડ્રાઈવ કરતી હોય ત્યારે તે ગાડી અથડાવી દેશે અથવા એક્સિડન્ટ કરી નાખશે એવા વિચારો ચાલતા હોય છે. સામાન્ય રીતે એવું જ કહેવાતું હોય કે મહિલાઓનું ડ્રાઈવિંગ વિશ્વાસ વગરનું હોય છે. ત્યારે તેમના પિતાએ સમાજની માનસિકતાને પાટું મારી પોતાની જ દીકરીને ગાડી ચલાવવા આપી અને આજે હું આ જગ્યાએ પહોંચી ગઈ છું.
સોલો ટ્રીપ દરમિયાન તેમને સારા-ખરાબ બન્ને અનુભવો થાય છે. પરંતુ વધારે તો સારા અનુભવ જ થાય છે. બધાં લોકો દ્વારા તેમને સપોર્ટ મળે છે. પહેલા જે લોકો તેમને નીચા પાડતા હતા એજ લોકો આજે તેમનો સાથ આપે છે. પ્રેરણા પણ લે છે. જો મહિલા ધારે તો ચુલામાં બાજરાના રોટલા બનાવવાની સાથે સાથે ભારત ભ્રમણ સુધીની સફર કરી શકે અને એ કંઈ પણ તેમના માટે અશ્કય નથી આ ઉદાહરણ રાજકોટની ટ્વિંકલે સારી રીતે પુરુ પાડ્યું છે.