હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચારેકોર પડઘમ વાગી રહ્યા છે. દરેક નેતાઓ પોતાની રીતે વાયદાઓ આપી રહ્યા છે અને બેફામ ભાષણો પણ કરી રહ્યા છે. એવામાં હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની સ્ટાઈલમાં આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો છે. છે. આજે રાજકોટમાં એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી પર તીખા પ્રહાર કર્યા છે. જે હવે વાયરલ થઈ રહ્યું છે.
આજની ઘટના વિશે વાત કરીએ તો રાજકોટમાં દુબઈના પેઈન્ટર અકબરના ચિત્ર કાર્યક્રમમાં વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે વાત કરી કે વાયદાઓ અને જુઠા વચનો આપવામાં આમ આદમી પાર્ટી માહેર છે. ગુજરાતની જનતા ખૂબ જ શાણી અને સમજુ છે જેથી જૂઠા વચનોમાં નહી આવે. મનીષ સિસોદિયા સામે કાયદાકીય કાર્યવાહીથી આમ આદમી પાર્ટીમાં ફફડાટ છે અને જેનો આમ આદમી પાર્ટી રાજકીય ઉપયોગ કરી રહી છે. પરંતુ ગુજરાતની જનતા ભાજપના કામોને જાણે છે. પ્રધાનમંત્રી મોદી વિશ્વના ટોચના નેતાઓમાં ગણાય છે અને તેમને રાજકોટ પ્રત્ય વધુ પ્રેમ છે.
પોતાની વાતને આગળ કરતાં અને વડાપ્રધાનના આગમનને સ્વીકારતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી 19મીએ રાજકોટ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેમણે પ્રધાનમંત્રીના વખાણ કરતા એ પણ કહ્યું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસને આગળ લઈ જવા પ્રાધનમંત્રી સતત તત્પર છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોણ જીતે છે અને કોણ હારે છે.