રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. આ ઉજવણી હવે આખા ગુજરાતમાં વખણાઈ રહી છે. કારણ કે દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે સમાજની 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં છે અને ખાતાદીઠ રૂપિયા 11 હજારની ડિપોઝિટ પણ જમા કરાવીને ઉત્તમ કામ કર્યું છે. આ સિવાય જે દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે એમનાં અને તેનાં માતા-પિતા માટે ફનફેરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેમણે દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે.
રિવાબાએ આગળ આ વિશે વાત કરી કે દીકરીનો જન્મદિવસ યાદગાર બનાવવા માટે અમે અનોખી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય જેનો રિવાબાએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. ગત વર્ષે પણ નિધ્યાનાબાના જન્મદિવસ નિમિત્તે 11 હજારની ડિપોઝિટ દીકરીઓના નામે મૂકી હતી. જ્યારે આ વખતે લાંબા સમય સુધી દીકરી અને તેના પરિવારને યોજનાનો લાભ મળી રહે એ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં હતાં. આ પહેલાં પણ રિવાબાએ દીકરીઓને સોનાના ખડગ બનાવી ભેટમાં આપ્યાં હતાં. ત્યારે આ વર્ષે આ રીતે ઉજવણી કરી ફરીથી સમગ્ર રાજ્યવાસીઓનું ધ્યાન ખેચ્યું હતું.