હાલમાં આવતા રવિવારે એટલે કે તારીખ 9 એપ્રિલ 2023ના રોજ સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી ત્યારે પરીક્ષાના દિવસે જ સવારે 7 વાગ્યે પેપર ફૂટી ગયું હતું અને લાખો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે આ વખતે મોટા ભાગના વિદ્યાર્થીઓને અલગ અલગ સેન્ટર આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થીનો જિલ્લો અમદાવાદ હોય તો કોઈને ગોધરા અને મહિસાગર સેન્ટર આપવામાં આવ્યું છે. એ જ રીતે કોઈનો જિલ્લો પોરબંદર હોય તો છેક સુરત ભરુચ બાજુ પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઘણા કિસ્સામાં એક દિવસ વહેલા જવું પડે છે.
જેથી વહેલી સવારે એ જ જિલ્લામાં હાજર હોય તો પરીક્ષાના સમયે પહોંચી શકે અને ટેન્શન ફ્રી રહી શકે. ત્યારે મોટા મોટા જિલ્લામાં હાલમાં હોટેલનું ભાડુ 1200 રૂપિયા વસુલવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓને આટલા પૈસા ખર્ચ કરવા ન પોસાય. તો એવું પણ બને કે જે તે જિલ્લામાં વિદ્યાર્થીઓના સગા કે મિત્ર વર્તુળ પણ ન હોય.
આવા અનેક કિસ્સામાં વિદ્યાર્થી મુંજાઈ જાય અને પેપરનું ટેન્શન વધી જતું હોય છે. જેના કારણે વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે. હવે સગર સમાજના વિદ્યાર્થીઓ માટે આ ટેન્શન બિલકુલ હળવું થઈ ગયું છે, કારણ કે કોઈપણ જિલ્લામાં વિદ્યાર્થીઓનું સેન્ટર આવ્યું હોય તો ત્યાંના સગર સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ રહેવા તથા જમવાની વ્યવસ્થા બિલકુલ ફ્રીમાં કરી આપી છે.
એટલે કે જે જિલ્લામાં વિદ્યાર્થીઓનો વારો હોય એ જિલ્લામાં એક દિવસ પહેલા જઈને શાંતિથી તેમની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યાં જઈને આરામ કરી શાંતિથી હળવો ખોરાક લઈ તે બીજા દિવસે પરીક્ષા આપી શકે છે.
સગર સમાજની આ પહેલથી અનેક લોકોમાં ખુશીનો માહોલ છે અને વિદ્યાર્થીઓ પણ ખુશ ખુશાલ છે. તો વળી બીજા જ્ઞાકિ કે સમાજે પણ આ બાબતે વિચારી પોતાના વિદ્યાર્થીઓ માટે સરસ સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે અને વિદ્યાર્થી તેમજ એમના વાલીઓની ચિંતા હળવી કરી શકે છે.