ઉનાળાની શરૂઆતથી જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રવિવારે ૪૨.૪ ડિગ્રી સેલ્સિઅસ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર હતું. ૪૨.૮ ડિગ્રી સેલ્સિઅસ તાપમાન સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર હતું. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૨.૩ ડિગ્રી સેલ્સિઅસ રહ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ની આગાહી અનુસાર, સોમવારે ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. ‘આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાેવા નહીં મળે’, તેમ હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડી શકે છે. બુધવારે લો-પ્રેશર સર્જાવાને કારણે આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને પ્રતિ કલાક ૪૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નિષ્ણાતોના કહેવા અનુસાર, અમદાવાદમાં વરસાદ નહીં પડે પરંતુ તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ૨થી૪ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આગામી ૨૪ કલાકમાં મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં જાેવા મળે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ૧૯ એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે ચોમાસાને લઈને ખુશીના સમાચાર આપ્યા હતા. સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર, ૨૦૨૨નું ચોમાસુ સામાન્ય રહી શકે છે.
ચોમાસાના મહિનાઓ દરમિયાન ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૮૮૦.૬૦ મિમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે પણ ચોમાસાને લઈને આગાહી કરી હતી. જે મુજબ, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, નૈઋત્ય દિશા તરફથી આવતું ચોમાસુ (જૂનથી સપ્ટેમ્બર દરમિયાન) સામાન્ય (એલપીએના ૯૬થી ૧૦૪ ટકા) રહેશે. પેસિફિક પ્રદેશમાં લા નીનાની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચોમાસા દરમિયાન લા નીનાની સ્થિતિ ચાલુ રહે તેવી સંભાવના છે. લા નીનાનો અર્થ થાય છે કે, ભારતમાં વધુ ઠંડી અને વરસાદની સંભાવના છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે.