પ્રતીક રાઠોડ (ડીસા)
ડીસાના બનાસ પુલ ઉપર આવેલ જુના બ્રિજને સમારકામ માટે છેલ્લા એક માસથી બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે એકજ બ્રિજ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાતા આ બ્રિજ ઉપર સતત ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ટ્રાફિકની સમસ્યાના કારણે વાહનચાલકો કલાકો સુધી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજનું સમારકામ આજદિન સુધી શરૂ કર્યું નથી જેના પગલે ગુરુવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ, ડીસા નાયબ કલેકટર, ડી.વાય.એસ.પી, મામલતદાર તાલુકા અને ઉત્તર પી.આઇ સહિતના અધિકારીઓ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે આ ટ્રાફિક સમસ્યાના તાત્કાલિક ધોરણે નિવારણ માટે ચર્ચા કરી હતી.
જોકે આગામી દિવસોમાં ડીસા પંથકમાં બટાકાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે સ્થિતિ વધુ વણસી શકે તેમ છે. જેથી ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર ના બને તે માટે ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને આગામી શનિવાર સુધીમાં બનાસપુલ નિચેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા ઉપરાંત ગાયત્રી મન્દિર નજીક બ્રિજ નિચે લગાવેલ જાળી દૂર કરી રોડ ખુલ્લો કરવા માટે પણ સૂચન કર્યું હતું. આ સાથે જ હાલમાં એક તરફનો બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બ્રિજ નીચેથી કામચલાઉ ધોરણે કાચો રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.