ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ માટે આજે સરકારી કર્મીઓ રસ્તા પર ઉતર્યા છે. શિક્ષકોની સાથે અન્ય ખાતાના કર્મચારીઓ પણ આ આંદોલનમા મોટી સંખ્યામાં જોડાયા છે. આ દરમિયાન અનેક જિલ્લામાં રેલી યોજવામા આવી અને ક્લેક્ટરને આવેદન પત્ર આપવામા આવી રહ્યા છે. આ સમગ્ર આંદોલન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે રહીને કરવામાં આવ્યું છે.
આ દરમિયાન આંદોલંકારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામા પહોંચ્યા હતા. આ બાદ અહી પોલીસ દ્વારા બેરીકેટ લગાવીને તેમને રોકવામાં આવ્યા. બીજી તરફ અમદાવાદમાં પણ હજારો શિક્ષકો મેદાને આવ્યા છે અને અમદાવાદમાં આચાર્ય સંઘ દ્વારા રેલીનું આયોજન કરાયુ છે. આ સાથે તેઓએ સ્પષ્ટ કહ્યુ હતુ કે જૂની પેન્શન યોજના, ગ્રેડ-પે, 7મા પગારપંચની માંગ સરકાર નહીં માને તો આવનારા સમયમા જ્વલંત આંદોલન થશે.
બીજી તરફ સરકારી કર્મીઓના આ આંદોલનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે. આ મામલે પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે અમારી પાર્ટીએ જૂની પેન્શન યોજનાનો વાયદો આપ્યો છે અને અમારી રાજસ્થાન તથા છત્તીસગઢની સરકારોએ જૂની પેન્શન યોજના લાગુ કરી છે.