21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે. ત્યારે રાજ્યમાં ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માતૃભાષા દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, કાફે, મલ્ટિપ્લેક્સ, બેન્ક્વેટ અને બાગ-બગીચા પર ફરજિયાતપણે ગુજરાતીમાં લખેલાં બોર્ડ રાખવાનાં રહેશે. તદુપરાંત રાજ્યનાં તમામ સરકારી કાર્યાલયોમાં તેમજ જાહેર સ્થળો પરની સૂચના, જાણકારી અને દિશાનિર્દેશ પણ ગુજરાતીમાં જ લખવાનાં રહેશે.
મતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ અંગે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની 8 મનપાની તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળ પરનાં બોર્ડ ગુજરાતીમાં લખવાના રહેશે. સરકારી કંપની, હોટલ, સ્કૂલ અને મોલનાં બોર્ડ ફરજિયાતપણે ગુજરાતીમાં લખાણ લખવાનાં રહેશે, એવો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
અત્યારસુધીમાં આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલાં બોર્ડ જોતાં હતાં, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે. રાજ્યનાં આઠ મહાનગરમાં ગુજરાતીના મહત્તમ ઉપયોગને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી આઠ મનપાનાં ગ્રંથાલય, બાગ-બગીચા અને સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવી છે.