સુરતમાં એડવોકેટ મેહુલ બોધરા પર હુમલા મામલે આરોપી પોલીસકર્મી સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં સાજન ભરવાડના સમર્થકો પણ પહોંચ્યા હતા. આ દરમિયાન સાજનના સમર્થકો અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. વકીલોએ સાજન ભરવાડ હાય હાય ના નારા લગાવ્યા હતા. કોર્ટ પરિસરમાં માહોલ ગરમાયો હતો.
આજે આરોપી સાજન ભરવાડને ફાસ્ટટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે ૭ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ૫ દિવસ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, ઘટના બાદ પોલીસે હુમલો કરનાર સુપરવાઈઝર સાજન ભરવાડની ધરપકડ કરી હતી. આ મામલે સાજન ભરવાડને સસ્પેન્ડ પણ કરાયો છે. સાજન ભરવાડ અને અન્ય શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે સુરત જિલ્લા વકીલ મંડળે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ર્નિણય લેવાયો છે કે, હુમલાખોર આરોપીઓ તરફથી કોઇ વકીલ કેસ નહીં લડે.
સુરતમાં પોલીસની હાજરીમાં વકીલને માર મારવાનો મામલે સુરત એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ મલે કહ્યું હતું કે, સાજન ભરવાડ અને મેહુલ બોધરા વચ્ચે તકરાર થઇ હતી. હુમલો કરનાર સુપરવાઈઝર સાજન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. સાજન ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેહુલ બોઘરાએ ૩૦ હજાર રૂપિયાની માંગ કરી હતી. સરકારી કર્મચારી કાયદા વિરુદ્ધ કામ કરશે તો તેની સામે પગલા ભરાશે. સમગ્ર મામલે ૩ પોલીસ કર્મી સહિત ૬ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. એડવોકેટ મેહુલ બોઘરા સામે પણ ફરીયાદ નોંધાઇ છે.
બોઘરા સામે એટ્રોસીટી એક્ટ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પોલીસ અધિકારી શરદ સિંઘલને તપાસ સોંપવામાં આવી છે.સુરત શહેરમાં મેહુલ બોઘરા અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે પડી ચૂક્યા છે, જેનું તેઓ સોશિયલ મીડિયા પર લાઇવ કરતા હોય છે. તેવામાં હવે આ સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે આ એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાની ઘટના બની હતી.
ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આખા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા ઉઘરાણીનો મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં પોલીસ વાહનોના દંડ ઉઘરાવતી હતી. લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એડવોકેટ પર રીક્ષામાં રાખેલી લાકડી વડે ઉપરાછપરી અનેક વખત માર મારવામાં આવ્યો હતો.
જેને લઇને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી મેહુલ બોઘરાએ લાઇવ કર્યું હતું. હુમલા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા એડવોકેટ મેહુલ બોઘરાએ કહ્યું કે, આ લોકો અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે બંધ કરીદો.
જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત બતાયો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું. ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારમાં હતા. મારા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. ૩ પોલીસવાળા અને ૩ અન્ય ઇસમો હતો, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા.