હાલમાં માલધારી સમાજને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પર બુલડોઝર ફેરવવા મામલે બાવળિયાળી મંદિરના મહંત રામ બાપુ માલધારીઓના સમર્થનમાં હતા. માલધારીઓ સાથે રેલી લઈ ડભોલી સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ પહોંચ્યા હતા. છાપરાભાઠા રોડ અમરોલીથી રેલી નીકાળવામાં આવી હતી. ડભોલી રોડ થઇને માલધારીઓની રેલી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી. ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને મહત્વનો નિર્ણય લીઘો છે.
વિગતો મળી રહી છે કે CR પાટીલે પોતાની સુરત ઓફિસે માલધારી આગેવાનો સાથે વિગતવાર મિટિંગ કરી હતી. આ બેઠકમાં સી.આર પાટીલે માલધારી સમાજના આગેવાનોને બાંહેધરી આપી હતી કે, ‘દિવાળી સુધી કોઈ જ તબેલા હટાવવામાં નહીં આવે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે એવું પણ પાટીલે કહ્યું હતું. આ મામલે CR પાટીલ સરકારમાં પ્રસ્તાવ મૂકી ડિમોલિશનની કામગીરી બંધ કરશે. સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં સાંજ સુધી આંદોલન સમેટાશે.
ઉલ્લેખનીય છે કે આજે મનપાની વિરોધમાં માલધારીઓ દ્વારા છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતું, ત્યારે આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મોટા હૈયાવાળા માલધારીઓ દ્વારા દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યુ હતું. સાથે જ વિરોધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. માલધારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કહેવામાં આવ્યું હતું કે અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સાધુ-સંતો પણ જોડાયા છે.