ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે હવે સાજન ભરવાડ પર હાઈકોર્ટે સખત કાર્યવાહી કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે કે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે. પરંતુ આ સાથે જ હાઈકોર્ટે બીજા ઘણા પ્રતિબંધ લગાવી દીધા છે.
જે તે સમયે સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હવે સામે આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે. આ ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. એ કોઈથી છુપુ નથી કે સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો.
જો કે બીજી એક વાત પણ મહત્વની છે કે જ્યારે આ ઘટના બની ત્યારે વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું રે સાજન ભરવાડને લઈ આગળ શું કાર્યવાહી કરવામાં આવશે.