આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અવારનવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલાં તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં પોતાનું સંબોધન કર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું. ત્યારે હવે સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીને બરાબરની આડે હાથ લેતા પ્રહારો કર્યા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પ્રહારો કરતાં કહ્યું કે AAPના વાયદા ચાઈનીઝ જેવા છે. સૌથી વધુ રોજગારી ગુજરાતે આપી છે અને પહેલેથી જ ગુજરાત સારો વિકાસ કરી રહ્યું છે. નોકરીની લાલચ આપવામાં આવે છે તે બંધ કરે. ગુજરાતીઓને મૂર્ખ બનાવવાનું આમ આદમી પાર્ટી બંધ કરે. આવા પ્રહારો કરતાં પાટીલે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. સાથે જ સી.આર.પાટીલે વધુમાં કહ્યું હતું કે આપ દ્વારા મફતમાં બધું આપવાની વાતો ન કરો અને આવી વાતો કરી કરીને પાર્ટીનો પ્રચાર પ્રસાર કરે છે તે બંધ કરે. પાટીને સ્પષ્ટ શબ્દોમાં જ કહ્યું કે જનતાને મૂર્ખ બનાવાનું બંધ કરો. પેહેલેથી જ ગુજરાતનો સારો વિકાસ છે.
સાથે જ કેજરીવાલે આ પહેલાં કહ્યું હતું કે દેશમાં શ્રેષ્ઠ પગાર ગુજરાત પોલીસનો કરીશું હું ગુજરાતના તમામ પોલીસકર્મીઓ ને પણ કહેવા માંગુ છું કે જે પણ પોલીસકર્મીઓ ત્યાં છે, તેઓ તેમની નોકરી જોખમમાં મૂક્યા વિના તેમના સ્થાને રહીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરે. હાલમાં પોલીસકર્મીને શરૂઆતમાં માત્ર 20000 રૂપિયા પગાર મળે છે. હું માનું છું કે 20000 માં શું થશે? 20000માં પોલીસકર્મી પોતાના ઘરનો ખર્ચ કેવી રીતે નીકાળશે? આજે સમગ્ર દેશમાં પોલીસકર્મીઓ ને મળતો પગાર ગુજરાતમાં સૌથી ઓછો છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ કપરી પરિસ્થિતિમાં કામ કરી રહી છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ પગાર અમે પોલીસને આપીશું.