સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે. ક્યારેક હત્યા તો ક્યારેક ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવે છે.અસામાજિક તત્વોનો પણ આતંક વધી ગયો છે. જાણે કે પોલીસનો કોઇ ડર જ ન રહ્યો હોય તેમ ગુનાખોરો બેફામ બન્યા છે. ત્યારે સુરતમાં વધુ એક ગુનાખોરીનો વીડિયો સામે આવ્યો.
સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સરથાણા વિસ્તારમાં મેહુલ બોઘરા પર રિક્ષામાં આવેલા વ્યક્તિએ હુમલો કર્યો. પોલીસ વાહનોના દંડ ઉઘરાવતી હતી તે સમયે આ ઘટના બની. મેહુલ બોઘરા પોલીસ કાર્યવાહીનો વીડિયો બનાવી રહ્યા હતા તે સમયે એકાએક એક વ્યક્તિ હાથમાં દંડો લઇને આવ્યો અને હુમલો કરી દીધો. આ દ્રશ્યોમાં જાેઇ શકાય છે કે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક વ્યક્તિ રિક્ષામાંથી દંડો લઇને સીધો મારવા જ દોડે છે. વીડિયો ઉતારતા જાેઇને રોષે ભરાયેલો આ યુવક છુટ્ટી લાકડીએ મારે છે.
ઘટનાને પગલે મેહુલ બોઘરા ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે મેહુલ બોઘરાએ જણાવ્યું હતુ કે હપ્તા ઉઘરાવતા હોવાથી જાગૃત નાગરિક તરીકે મે કહ્યુ હતુ તે જનતા પીડાઇ રહી છે તમે હપ્તા ઉઘરાવવાનુ બંધ કરી દો આ વાતનો ખાર રાખીને તેઓએ મને સામે ધમકી આપી હતી અને વીડિયો ઉતારતા મને માર મારવામાં આવ્યો હતો.
ત્યારે અહીં સવાલ એ થાય કે ક્યાં સુધી આવા ગુંડાતત્વોને પોલીસ પોષતી રહેશે, કાયદાની શેહ શરમ વિના જ કાયદો હાથમાં લેનારા આવા અસામાજિક તત્વો કોણ જાણે ક્યાં સુધી આવો આતંક મચાવતા રહેશે. શું ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવો ગુનો છે ? સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને પોલીસ આવા લુખ્ખા તત્વોને છુટ્ટોદોર આપી રહી હોય તેમ લાગી રહ્યું છે.