ગુજરાતમાં ચૂંટણી આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ પણ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવશે. તો વળી કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા વ્યવસ્થામાં 70,000 સૈનિકો પણ સામેલ થવાના છે. જો કે એ પહેલાં એક સમાચાર સામે આવી રહ્યા છે કે મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુ ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંકડાઓ સાથે વાત કરવામાં આવે તો સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અહીં અત્યાર સુધીમાં 12965 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદમાંથી 12315 લોકો અને વડોદરામાં પોલીસે 1600 આરોપીઓની ધરપકડ કરી છે.
આ સાથે જ ચૂંટણી ટાણે રાખવામાં આવતી સુરક્ષાની વાત કરીએ તો આમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે કે જે બધાનું ધ્યાન રાખશે અને ગુનેગારોને પકડવાનું કામ કરશે. આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ જબરી રીતે પગ પેસારો કર્યો છે.