હાલમાં દૂધનો મુદ્દો આખા ગુજરાતમાં ઉછળ્યો છે. કારણ કે માલધારી સમાજે આજે દૂધ બંધનું એલાન કર્યું છે અને જે સફળ થતું દેખાયું છે. સરકાર સામે માલધારી સમાજના વડા ઘનશ્યામપુરી બાપુએ ક્યાંય દૂધ ન ઢોળવા અપીલ કરી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં એરપોર્ટ રોડ તેમજ સુરતના કેટલાક વિસ્તારોમાં દૂધનો સપ્લાય કરી રહેલાને આંતરી તેમનું દૂધ ઢોળી દેવાયાની ઘટના બની છે. માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ છે. આખા રાજ્યમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં છે. દૂધની હડતાળને પગલે મંગળવારે સાંજથી જ રોજ કરતા લોકો વધુ દૂધ લઈ જતા જોવા મળ્યા. અમૂલ પાર્લર પર પણ લોકોની ભીડ જામી હતી. પાર્લર પર રેગ્યુલર કરતાં વધારે દૂધ મગાવ્યું છતાં મંગળવાર રાતથી જ દૂધ પૂરું થઈ ગયું છે. અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ભારે દૂધની અછત સર્જાઈ છે. તો રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કંઈક આવી જ હાલત જોવા મળી રહી છે.
આખા બરોડા શહેરની હાલત વિશે વાત કરતાં મંગળવારે સાંજે બરોડા ડેરીના ઉપ-પ્રમુખ ગણપતસિંહે જણાવ્યું હતું કે બુધવાર સવાર માટે દૂધનું પેકિંગ થઈ ગયું છે અને એનું સવારે નિયમિત વિતરણ પણ કરશું. પરંતુ આશ્ચર્યજનક રીતે બરોડા ડેરીના પાર્લરો સુધી બુધવારે સવારે દૂધ પહોંચ્યું જ નહીં. ગ્રામ્ય વિસ્તારના વિવિધ પશુપાલકો પાસેથી આવતું દૂધ પણ ખબર નહીં કેમ અટકી ગયું, જેથી દૂધની તંગી સર્જાઈ હતી. વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં બરોડા ડેરીનું દૂધ વેચતા એક વિતરકે નામ અને વીડિયો નહીં લેવાની શરતે જણાવ્યું છે કે અમને માલધારીઓએ કહી દીધું છે કે છૂટક કે પેકિંગમાં પણ અમે તમને દૂધ વેચવા નહીં દઈએ. આખા શહેરમાં ક્યાંય દૂધ મળતું જ નથી. વડોદરામાં જ રહેતાં સીમાબેને જણાવ્યું હતું કે “આમ તો દૂધ વિના ચલાવી લઈએ, એકાદ દિવસ ચા ના મળે તો વાંધો નહીં, પરંતુ આજે મારા દાદાનું શ્રાદ્ધ છે તો દૂધપાક બનાવવા દૂધની જરૂર પડે. અમે સવારથી જ ઘરના લોકો અલગ-અલગ જગ્યાએ દૂધ મળે એ માટે ધક્કા ખાઈ રહ્યા છીએ, પરંતુ વડોદરામાં ઠેર-ઠેર દૂધ નથી એવાં પાટિયાં લાગ્યાં છે. હવે ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે.
એ જ રીતે વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો ત્યાં તો ગઈકાલ રાતથી જ દૂધનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. લોકોએ ગઈકાલ સાંજથી જ દૂધની મોટી માત્રામાં ખરીદી કરવા માંડી હતી. જે લોકોને સામાન્ય દિવસોમાં ચાર થેલી જોઈએ તેઓ 12-15 થેલીનો જથ્થો સાથે લઈ લીધો હતો. સુપરમાર્કેટમાં તો ગઈકાલે બપોરનો જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. આ સ્થિતિમાં આજે દિવસભર અમદાવાદમાં દૂધનો કકળાટ રહેશે. અમદાવાદમાં કેટલાક દૂધ-વિક્રેતા સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે અમૂલ પાર્લર પર દૂધ મળી ગયું હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે.
તો વળી સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓએ રાતે બેઠકો કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં એકસૂર સાથે લડાઈ લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ડભોલી રોડના માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ ન વેચવાનો નિર્ણય લીધો. તમામ માલધારીઓનું હજારો લિટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. માલધારીઓએ હજારો લિટર દૂધનું પીલાણ કરવા માટે મશીનની વ્યવસ્થા કરી છે. દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવાશે અને આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવવામાં આવશે, આવી રીતે એક અલગ પ્રકારે સરકાર સામે વિરોધ કરશે એવું સામે આવ્યું છે.
જો વાત કરીએ રંગીલા રાજકોટમાં તો રાજકોટ ટી એસોસિયેશનના ઉપપ્રમુખ રઘુભાઇ ભૂવાએ જણાવ્યું હતું કે રાજકોટમાં નાનામોટા 1500 જેટલા ટી-સ્ટોલ આવેલા છે. એસોસિયેૉશન સાથે સંકળાયેલા વેપારીઓએ આજે બંધ પાળી દીધું છે. સરકાર અમારી માલધારીઓની માગણી નહિ સંતોષે તો આંદોલન વધુ ઉગ્ર બનશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ખાલી ચાના વેપારીઓને નુકસાન નથી, અમારી સાથે સંકળાયેલા નાના-મોટા માણસોની રોજી રોટી પણ અટકી રહી છે, માટે સરકારને વિનંતી છે કે જલદીથી અમારી માગણી સંતોષી લો અને લોકોને પણ બેકાર બનાવવાનું અટકાવો.