Gujarat News: રોજ રસ્તા પર તમને પણ ઘણા ભિખારીઓ મળતા જ હશે અને મદદ માટે પૈસા માંગતા હશે. વલસાડમાંથી એક ભિખારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભિખારી કહેવાતા 50 વર્ષીય વ્યક્તિને રવિવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે 1.14 લાખ રૂપિયાની રોકડ હતી. પરંતુ થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ અધિકારીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે એક દુકાનદારે ઈમરજન્સી નંબર 108 પર ડાયલ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધી લાયબ્રેરી પાસે રોડ કિનારે એ જ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી એક ભિખારી પડેલો હતો. દુકાનદારે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિની તબિયત બગડતી જણાતી હતી.
આ પછી ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધ સાથે વાત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાવેશ પટેલે કહ્યું, ‘તે ગુજરાતી બોલતો હતો. તેણે જણાવ્યું કે તે વલસાડના ધોબીતલાવ વિસ્તારમાં રહે છે. દુકાનદારે અમને કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ હલનચલન કરી રહ્યો નથી.
ભાવેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યારે 1.14 લાખની રોકડ મળી આવી હતી. રોકડમાં રૂ.500ની 38 નોટો, રૂ.200ની 83 નોટો, રૂ.100ની 537 નોટો અને રૂ.20 અને રૂ.10ની અન્ય નોટોનો સમાવેશ થાય છે. આ બધી નોટો ભેગી કરીને તેના સ્વેટરના ખિસ્સામાં પ્લાસ્ટિકની નાની થેલીઓમાં લપેટી હતી. અમે મેડિકલ ઓફિસરની સામે વલસાડ શહેર પોલીસને રોકડ આપી હતી.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
માહિતી આપતાં વલસાડ સિવિલ હોસ્પિટલના ડો.ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે, જ્યારે દર્દીને અમારી પાસે લાવવામાં આવ્યો ત્યારે તેણે ચા મંગાવી હતી. અમને લાગ્યું કે તે ભૂખ્યો હતો અને તેનું બ્લડ સુગર લેવલ નીચે ગયું હતું. અમે સલાઈન નાખ્યું અને સારવાર શરૂ કરી. એક કલાક પછી તેનું મૃત્યુ થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેણે કંઈ ખાધું ન હતું. ભિખારીની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે વ્યવસ્થિત રીતે 500, 200 અને 100 રૂપિયાની નોટોના બંડલમાં રાખેલી રોકડ જપ્ત કરી છે.