ગુજરાતના પશુઓમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો છે. તાજેતરના એક અભ્યાસના અહેવાલમાં આની પુષ્ટિનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતની ગાય અને કૂતરા ઉપરાંત ભેંસ અને ઘોડામાં પણ કોરોનાની પુષ્ટિ થઈ છે. જો કે, આ પ્રાણીઓથી મનુષ્યોને ચેપ લાગવાનું જોખમ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતની કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે પ્રાણીઓમાં કોરોના અંગે આ સંશોધન કર્યું હતું.
અભ્યાસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આ પ્રાણીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 24 ટકા પ્રાણીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર અનુસાર ભારતમાં આ પ્રકારનું સંશોધન પ્રથમ વખત કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું હતું કે દુધાળા પશુઓને પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે. અગાઉ બિલાડી, બીવર જેવા પ્રાણીઓ સંક્રમિત જોવા મળતા હતા. અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે દૂધાળા પશુઓથી મનુષ્યોમાં ચેપનું સંક્રમણ થવાનું જોખમ ઓછું છે, કારણ કે તેમનામાં વાયરસનો ભાર જોવા મળ્યો છે. આ સંશોધન ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા કરવામાં આવ્યું છે. સંશોધનમાં, 195 કૂતરા, 64 ગાય, 42 ઘોડા, 41 બકરી, 39 ભેંસ, 19 ઘેટાં, છ બિલાડી, છ ઊંટ અને એક વાંદરો સહિત 413 પ્રાણીઓના નાક અથવા ગુદામાંથી નમૂના લેવામાં આવ્યા હતા.
માર્ચ 2022માં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણા જિલ્લામાંથી પ્રાણીઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 95 પશુઓમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. જેમાંથી 67 કૂતરા, 15 ગાયો અને 13 ભેંસોને ચેપ લાગ્યો હતો. આ સંશોધન દ્વારા પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે કોરોના વાયરસના સંક્રમણનો સંબંધ શોધવાનો હતો. કોરોનીની બીજી લહેરમાં દેશના ઘણા ભાગોમાં પ્રાણીઓને પણ ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રાણીઓમાં ચેપ મનુષ્યોથી ફેલાય છે, પરંતુ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ચેપના સંક્રમણના કોઈ પુરાવા નથી.