હાલમાં રાજ્યના બરવાળામાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના મોત ચર્ચાનો મુદ્દો છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે વલસાડ જિલ્લાના અતુલ ખાતે નાનાપોઢાના PSI તેના મિત્રના બંગ્લામાં 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.
આ મહેફિલ માણસા કર્મીઓને SPએ રંગેહાથ ઝડપી પાડયા હતા. વલસાડ SPએ દારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસને દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાને વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળી હતી અને સમગ્ર કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
વિગતો સામે આવી રહી છે કે જેવી જ ખબર પડી કે તરત જ વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા LCB અને અન્ય પોલીસ જવાનો સાથે રેડ પાડી હતી. ત્યાં અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે સન્ની બાવીસકરની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી અને એમાં આ બધો નશો કરવામાં આવી રહ્યો હતો. જ્યા નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.