રાઉડી રખડું: હાલના સમયે સુરત અને આસામ ચર્ચામાં છે કારણ કે મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્ય અને તેમના નેતા એકનાથ શિંદે સુરતની ઘારી અને ભૂસું ખાધા પછી હવે કડક મીઠી ચ્હાની લહેજત માણવા માટે આસામ પહોંચી ગયા છે. સર્વ વિદિત છે કે કમળ કાદવની વચ્ચે ખિલે છે, કમળને ખિલવવા માટે અને શ્રેષ્ટતમ બનવા માટે કાદવમાંથી પસાર થવું પડે છે. આવું બધુ હાલ ચર્ચામાં છે કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિનો એક બહુ મોટો અધ્યાય હાલ લખાઈ રહ્યો છે અને તેમાં ક્યાંકને ક્યાંક ફરી ગુજરાત કેન્દ્ર સ્થાને આવી ગયું છે. એ જુદી વાત છે કે એકનાથ શિંદે પોતાની સાથેના મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યો સાથે આસામની ચ્હાની લિજ્જત માણવા પહોંચી ગયા.
21મી જૂને વિશ્વ યોગ દિવસ હતો અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અમદાવાદ અને ગાંધીનગરના તમામ કામ અને યોગાસનો પડતા મુકીને સુરત પહોંચી ગયા હતા. ત્યાં પણ તેમણે એવા રાજકીય આસનો પાર પાડ્યા કે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સહિતના પક્ષો કાંઇ સમજે કે વિચારે તે પહેલા તો આમચી મુંબઇવાળા આસામ ઉડી ગયા. ઉદ્ધવ ઠાકરેની શાલીનતા કામ ના આવી તો તેમણે ધમકી પણ આપી કે ગુજરાતમાં ગમે તેટલા ડાંડીયા રમી લો મહારાષ્ટ્રમાં તો તલવારથી જ સામનો થશે. તેમની આ ચિમકી કામ કરી ગઇ અને ગરબા પડતા મુકી એકનાથ શિંદે એકલા પડી જવાય તે પહેલા ગુજરાત છોડી ગયા.
આ બધા તમાશા વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેવાળા રાજ ઠાકરે ચૂપચાપ તમાશો જોઇ રહ્યાં છે. હાલ તેમણે આ તમામ કાંડ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પણ તેઓ મનથી ક્યારે ખેલ પાડી નાખે તે નક્કી નથી. આખરે વાત આમચી મુંબઇ અને મરાઠી અસ્મિતાની છે અને ભાઉં વડાપાઉં સાથે ચ્હાનું કોમ્બિનેશન ચલાવી લે તેમ લાગતું નથી.