સુરત માં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી છોકરીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બાબત ચિંતાનજક હોવાનું જણાવતા સરથાણા પોલીસ મથકના પીઆઈ એમ કે ગુર્જરે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ મથકમાં જ આવી ૩૯૦ અરજીઓ આવી છે. તેમણે આ બાબતને સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું જણાવી માતા-પિતાને ટકોર કરી હતી કે, તેઓ સંતાનો પ્રત્યે વધુ સજાગ બને અને તેમની સાથે સમય વિતાવે.
સુરતના સરથાણા વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ગુર્જરે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં જ ૧૮ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની છોકરીઓ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છી હોવા અંગેની ૩૯૦ અરજીઓ મળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી નાની એટલે કે, ૧૩થી ૧૭ વર્ષ સુધીની કિશોરીઓ માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી હોય તેવી ૨૩ અરજીઓ મળી છે.
તેમણે કહ્યું કે, સરથાણા પોલીસ મથકમાં જ નહીં, પરંતુ પાટીદારોની બહુમતી ધરાવતા કતારગામ, પુણા, અમરોલી, વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી છોકરીઓની અરજી આવી રહી છે, જે બાબત સમાજ માટે લાલબત્તી સમાન છે.
માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા પાછળ સ્માર્ટ ફોનનું વળગણ, ઘરના વાતાવરણને જવાબદાર ઠેરવતા પીઆઈ ગુર્જરે જણાવ્યું કે, માતા-પિતાએ સંતાનો સાથે ઘરસભા કરી સમય પસાર કરવો જાેઈએ અને તેમની સાથે મિત્રતા જેવું વર્તન કરવું જાેઈએ.તેમણે કહ્યું કે, મોબાઈલનો જે ક્રેઝ વધ્યો છે અને તેના દુરુપયોગને કારણે બાળકોની માનસિકતા બદલાય છે અને બાળકો ખોટા રસ્તે જઈ રહ્યા છે. તેમણે વાલીઓને સલાહ આપી કે, બાળક મોડી રાત સુધી મોબાઈલમાં શું કરે છે? તે ઘરની બહાર નીકળે ત્યારે તે ક્યાં જાય છે? વગેરે પર ધ્યાન રાખવું જાેઈએ.