ડાયમંડ સિટીએ રવિવારે માતાઓ માટે મિલ્ક ડોનેશન કેમ્પ યોજીને વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીકનું સમાપન કર્યું હતું. વેસુ કેનાલ પર આવેલા શાંતમ ખાતે આયોજિત કેમ્પમાં પોતાના બાળકોને સ્તનપાન કરાવતી ૬૮ જેટલી માતાઓ દ્વારા કુલ ૩,૧૬૦ એમએલના દૂધનું દાન કરવામાં આવ્યું હતું. શહેર ૨૦૦૮થી ડોનેશન કેમ્પ દ્વારા ફીડિંગ મિલ્ક એકત્ર કરી રહ્યું છે. સુરતમાં બે કોમ્પ્રિહેન્સિવ લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર્સ (સીએલએમસી) છે, જેમાં સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સ (સ્મિમેર) અને ન્યૂ સિવિલ હોસ્પિટલનો (એનસીએચ) સમાવેશ થાય છે.
ધ યશોદા હ્યુમન મિલ્ક બેંકની સ્થાપના સુરત પીડિયાટ્રિક એસોસિએશન (એસપીએ) અને રોટરી ક્લબ સુરત સીફેસ (આરસીએસએસ) દ્વારા કરવામાં આવી હતી. આ પ્રયાસમાં, કડવા પાટીદાર મહિલા મંડળો, મોઢ વણિક મહિલા મંડળો અને અન્ય સમુદાયના જૂથો પણ મિલ્ક ડોનેક્શન કેમ્પને સમર્થન આપી રહ્યા છે. માતાના દૂધનું મહત્વ સમજાવતાં કેમ્પનું આયોજન કરનારા સભ્યોમાંથી એક, બાળરોગ નિષ્ણાત ડો. કેતન ભારદ્વાએ જણાવ્યું હતું કે, ‘ફોર્મ્યુલા દૂધ કરતાં સ્તનપાન બાળકોને ચેપ સામે સારી રીતે રક્ષણ, બુદ્ધિક્ષમતા, સારો દેખાવ આપે છે તેમજ સ્થૂળતાથી બચાવે છે.
આ સિવાય બાળકોને ડાયાબિટીસ, અસ્થમા અને ત્વચાને લગતી સમસ્યાઓ સામે સુરક્ષિત રાખવા સિવાય અન્ય કેટલાક ફાયદા પણ આપે છે’. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જે મહિલા લાંબા સમય સુધી સ્તનપાન કરાવે છે, તેમની વૃદ્ધાવસ્થામાં હાડકાની મજબૂતી સારી હોય છે અને તેમને ગર્ભાશયના કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ મળે છે. સ્તનપાનના સમયગાળા દરમિયાન, માતાઓ કેલેરી ગુમાવે છે અને સ્થૂળતાથી પણ સુરક્ષિત રહે છે.
‘માતાના દૂધનું દાન કરવું તે કોઈ નવજાત બાળકનો જીવ બચાવવા સમાન છે. અમે વધુને વધુ મહિલાઓને આ પહેલમાં જાેડાવા અને જરૂરિયાતમંદ બાળકોનું જીવન સુધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ’. તેમ આરસીએસએસના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કુંજ પંસારીએ જણાવ્યું હતું. ‘આરસીએસએસ દ્વારા એસપીએ અને સ્મિમેરના સહયોગથી મિલ્ક બેંક વિકસાવવામાં આવી છે અને તે તમામ ખર્ચમાં પણ સપોર્ટ કરે છે. સુરત તેવું પહેલું શહેર છે જ્યાં ડોનેશન કેમ્પમાં સ્તનપાન કરાવતી માતાઓ પાસેથી દૂધ એકઠું કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો’.