પહેલા કોઈપણ સરકારી યોજનાની કામગીરી માટે સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા ચૂકવવા પડતા હતા એ વાતથી દરેક ગુજરાતી જાણીતો છે, કારણ કે બધાને જીવનમાં ડગલે ને પગલે સોગંદનામાની જરૂર પડતી જ રહે છે. પરંતુ હવે ગુજરાત સરકારે એક એવી જાહેરાત કરી છે કે હવે આ પૈસા ચૂકવવાના રહેશે નહીં. સરકારી યોજનાઓ માટે સોગંદનામાના રૂપિયા નહીં ખર્ચવાની નાગરિકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સુવિધા નાગરિકો માટે ગણતરીના દિવસમાં જ અમલી બની જશે.
આ મામલે વિગતો મળી રહી છે કે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. મંત્રી શ્રીએ વાત કરી કે ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામું જરૂરી નથી, યોજનાને લગતી કોઈપણ કામગીરી સેલ્ફ ડેક્લેરેશનથી જ કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા, કારણ કે એની કોઈ જરૂર જ નથી. આગામી 15 દિવસમાં જ આ બાબતે કાર્યવાહી કરવા માટેની રાજ્યભરના કલેક્ટરોને પણ મંત્રીએ સૂચના આપી દીધી છે.