રાજ્યની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું હોવાની ઘટના સામે આવતા પરીક્ષાર્થીઓમા રોષની લાગણી છે. અહી બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર એક કલાક પહેલાં જ ફૂટી ગયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આ બાદ કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ અંગે વાત કરતા યુનિવર્સિટીના સેનેટ સભ્યે કહ્યુ કે એક દિવસ પહેલાં જ ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હોવાનુ તેમને જાણ થતા યુનિવર્સિટીને જણાવ્યુ હતુ પણ કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા.
બીજી તરફ કુલપતિ કિશોરસિંહ ચાવડાનુ કહેવુ છે કે અમારી સ્ક્વોડને માહિતી મળી હતી કે કલાક પહેલાં જ પેપર ખૂલ્યું છે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી હાલ આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. હવે આ મામલે તપાસ હાથ ધરવામા આવશે અને યોગ્ય પગલાં લેવાશે. આ ઘટના બાદ વિદ્યાર્થીએનુ કહેવુ છે કે આ પેપર ફૂટી ગયું હતું અને તેની જાણ તેમણે પ્રોફેસરને પણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જો આવુ થતુ રહ્યુ તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
આ પરીક્ષા દરમિયાન એક તરફ વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા અને બીજી તરફ પેપર લીક થઈ ગયુ હોવાનુ સમાચાર સામે આવતા પરીક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં એક કલાક કરતા વધારે સમય સુધી પેપર લખ્યા બાદ અટકાવ્યા અને પેપર લીક થયુ હોવાનુ જણાવ્યુ હતુ.