સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે આરોપી સાજન ભરવાડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપીએ જામીન અરજીની માંગ કરી હતી જે આજે સુરત કોર્ટ દ્વારા સુનાવણી બાદ ચુકાદા દરમિયાન નામંજુર કરી દેવામા આવી છે. કોર્ટમા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યુ હતુ કે ‘સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું છે.
આ સાથે સરકારી વકીલે કહ્યુ હતુ કે આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’ માહિતી મુજબ વકીલ મંડળની મળેલી સામાન્ય સભા દરમિયાન અગાઉ જ નિર્ણય લેવામા આવ્યો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ લડવો નહી. આ બાદ મિનેશ ઝવેરીએ સાજન ભરવાડનો કેસ હાથમા લીધો હતો અને જે બાદ તેમને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા હતા. .
આ સિવાય આ ઘટના બાદ સુરત પોલીસ એકશન મોડમા છે. માહિતી મુજબ 37 TRB જવાનોને ડિસમીસ, મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી એમ.કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા અને અન્ય 4 PIની પણ આતંરિક બદલી કરવામા આવી છે. આ સિવાય SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મૂકાયા છે અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી હતી.