માલધારી સમાજના લોકોનો કેટલીક માંગ છે જે સરકારે માની નથી. હવે આ માંગોને લઈને જ માલધારી સમાજના લોકો રોષે ભરાયા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સાથે તેમણે આવતી કાલે ડેરીઓમા દૂધ ન ભરવા અંગે એલાન કર્યુ છે. હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે માલધારી સમાજ દૂધ નહી વેંચે અને કોઈને વેંચાવા પણ દે. આ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમા દૂધ લેવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. આ વચ્ચે સુરતથી સમાચાર અવ્યા છે કે શહેરના કેટલાક સ્થળ ઉપર માલધારી સમાજના યુવકો દ્વારા સુમુલ ડેરીના દૂધના ટેમ્પા અને રસ્તામાં રોકવામા આવ્યા અને દૂધનો સ્ટોક દુકાનોમાં જતા અટકાવવામાં આવ્યો છે.
આ અંગે માહિતી આપતા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કહ્યું કે, તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્રારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી છે. બીજી તરફ આ મામલે માલધારી સમાજના ગુરૂ ગાદી વડવાળા ધામના કનિરામ બાપુએ પણ સમાજના લોકોને અપીલ કરી છે કે કોઈ પણ ઘર્ષણ ઉભું થાય તેવું ના કરે. કોઈ ડેરી કે કોઈ પ્લાન્ટમાં કે ટેમ્પો કે ગાડી ના રોકવા માટે અપીલ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં માલધારી સમાજના આંદોલનના નામે અસમાજિકતત્વોની દાદાગીરી સામે આવી છે. તેમણે સુમુલ ડેરીની બહાર દૂધની ગાડી રોકી, દૂધને લૂંટવાનો પ્રયાસ, કેટલીક દૂધની થેલીઓ હવામાં ઉડાવી, દૂધના વાહનોમાં તોડફોડ, દૂધની ગાડીના કાંચ તોડફોડ, દૂધના કેરેટ રસ્તામાં ફેંકયા હોવાના અહેવાલ છે.