…..રાઉડી રખડું…..: ખોડલધામ એટલે પાટીદાર અને પાટીદાર નેતા એટલે નરેશ પટેલ. છેલ્લાં કેટલાક સમયથી માધ્યમોમાં અને દેશવિદેશના પાટીદારોની જેમની પર સતત નજર રહેલી એવા પાટીદાર નેતા નરેશ પટેલે આખરે પોલિટિક્સમાં આવવાની ના પાડી. તેમની પોલિટિકલ નો-એન્ટ્રીથી ભાજપના ઘણા બધા નેતાઓ અને ખાસ કરીને પાટીદાર અગ્રણીઓને હાશકારો થયો. જોકે સાથે સાથે નરેશ પટેલના રાજકીય ક્ષેત્રે પ્રવેશ અંગેના નિર્ણયની રાહ જોઇ રહેલા સુરત અને મહેસાણા સહિતના અનેક શહેરના પાટીદાર અગ્રણીઓ તથા ખાસ કરીને યુવાનોમાં હવે એ વાતની ચર્ચા જાગી છે કે આખરે નરેશભાઈની પોલિટિકલ એન્ટ્રી સામે લાલ બત્તી કોણે કરી.
રાઉડી રખડુંને ફરતા ફરતા એવા વાવડ મળ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા અને પાવાગઢ સહિતની ગુજરાતની બે દિવસની મુલાકાત તથા તેમના માતા હીરાબાના શતાયુ પ્રવેશ પહેલા નરેશ પટેલ જાહેરાત કરવાના હતા કે તેઓ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે કે નહીં અને જો કરશે તો કયા પક્ષની સાથે જશે. જેની સામે ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત સહુ કોઇ રાજકીય પક્ષોના આલા કમાન્ડની નજર હતી. જોકે જેમ ભાજપને ભરોસો હતો અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીને વિશ્વાસ ન હતો તેમ નરેશ પટેલે રાજકીય એન્ટ્રી અંગે અલ્પવિરામ અને પૂર્ણવિરામ સાથે ટાટા બાય બાય, ખતમ કરી નાખ્યું.
આમ આદમી પાર્ટીની ગુજરાત નેતાગીરી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનનું એક જૂથ એવું પણ છે જે એવી ચર્ચામાં વ્યસ્ત છે કે સાહેબના કાર્યક્રમમાં વિધ્ન ના આવે અને નરેશભાઈ દેશ અને વિદેશના સમાચારોમાં છવાઇ ના જાય તે માટે માતાજીની કૃપા કે પછી ઉપરવાળાના આશિર્વાદથી નરેશભાઈને સમજાવી દેવામાં આવ્યા કે હમણાં ખમી જાઓ. જો નરેશ પટેલ પોતે કયા રાજકીય પક્ષ સાથે જોડાઇ રહ્યાં છે તેની જાહેરાત કરી નાખત તો અત્રતત્રસર્વત્ર તેઓ છવાઈ જાત. અમદાવાદથી લઇને અમેરિકા સુધીના પાટીદારોમાં તેમની જ ચર્ચાઓ શરૂ થઇ જાત. કચ્છથી લઇને કેનેડા સુધી પાટીદારોની સંસ્થાઓમાં તેમના નિર્ણય અંગે મનોમંથન અને ચિંતન શરૂ થઇ જાત. અમદાવાદની ટીવી ચેનલોમાં નરેશ પટેલના નિર્ણયને લઇને ધાણીફૂટ ગરમાગરમ ચર્ચાઓ થઇ જાત અને સાહેબનો કાર્યક્રમ ક્યાંક ખૂણામાં ખોવાઇ જાત. હવે જોકે આ સમગ્ર ઓપરેશન કોણે અને કેવી રીતે પાર પાડ્યું તે તો ઉપરવાળા જાણે કે પછી….?
પણ આવું થયું નહીં, કોણ જાણે કેમ પણ બધું સારું સારું થયું ભાજપ માટે. સાહેબનો કાર્યક્રમ પણ સચવાઇ ગયો, ગામેગામના એસટીના રૂટ કેન્સલ કરીને કાર્યકર્તાઓને કાર્યક્રમ સ્થળે ભેગા કરી દેવાયા. એ જુદી બાબત છે કે અતંરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને એસટી બસોના અભાવે જીવના જોખમ રિક્ષા, છકડો અને જીપ સહિતના ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવી.