150થી વધારે સ્ટેજ શો, 4 વર્ષથી સતત પરફોર્મન્સ, વારસામાં જ સંગીત મળ્યું એવા સુરતના 22 વર્ષના સિંગર ક્રિષ્ના કળથિયા આ વખતે મુંબઈમાં મીરા રોડ પર મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને બીજા અનેક લોકોને ગરબાનું ઘેલુ લગાડવા જવા માટે તડામાર તૈયારી રહી રહ્યા છે અને મુંબઈમાં પણ લોકો ઉત્સાહિત છે.
સુરતના પ્રખ્યાત સિંગર ક્રિષ્ના કળથિયા વિશે વાત કરીએ તો પ્રોફેશનલ રીતે સતત 4 વર્ષથી તેઓ ગાયકી ક્ષેત્રે પ્રભૂત્વ ધરાવે છે અને ગુજરાતમાં અલગ અલગ ગામ અને શહેરમાં 150થી વધારે શો કરી ચૂક્યા છે. સ્ટેજ શો પર તેઓ જ્યારે પરફોર્મન્સ કરી રહ્યા હોય ત્યારે એનર્જી જોઈ લોકો નાચવા માટે મજબૂર થઈ જાય છે. માત્ર 22 વર્ષની ઉંમરે રિધમ મ્યુઝિક ક્લાસ પણ ભાઈ ધર્મેશ કળથિયા સાથે મળીને સુરત ખાતે ચલાવી રહ્યા છે.
આ વર્ષની નવરાત્રિ ક્રિષ્ના મીરા રોડ મુંબઈમાં હિન્દુ હદૃય સમ્રાટ બાલા સાહેબ ઠાકરે ગ્રાઉન્ડમાં પરફોર્મ કરવાના છે. મીરા રોડ પર 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ક્રિષ્ના સાથે અન્ય 4 સિંગરો પણ ગુજરાતીઓ અને નોન-ગુજરાતીઓને ગરબાનું ઘેલુ લગાડવાના છે. નગોબા ફાઉન્ડેશન નવરાત્રિ મહોત્સવને રંગીન બનાવવા માટે અત્યારથી જ ક્રિષ્ના અને એની ટીમ તડામાર તૈયારીમાં લાગી ગયા છે.
ક્રિષ્ના પોતાની સિગિંગ જર્ની વિશે જણાવે છે કે મારી આ ગુજરાત બહાર પહેલી જ નવરાત્રિ છે. મે ગુજરાતમાં 2 નવરાત્રિ કરેલી છે. અંદાજે 150 ઉપર સ્ટેજ શો કરેલા છે અને સ્કુલ સમયથી જ ગાવાની શરૂઆત કરી છે. જ્યારે હું ધોરણ 7માં ભણતી ત્યારે મે પહેલું પરફોર્મન્સ આપ્યું અને લોકોને ખૂબ જ ગમ્યું હતું. લોકોના વખાણ અને પ્રોત્સાહનથી મને પણ આત્મવિશ્વાસ આવ્યો અને મે આ ફિલ્ડમાં આગળ વધવાનું શરૂ કર્યું.
જ્યારે 11માં ધોરણમાં આર્ટ્સ રાખ્યું ત્યારથી જ ક્લાસિસ શરૂ કરી દીધા હતા. ત્યાર બાદ બેચરલ ઓફ પરફોર્મિંગ આર્ટની વોકલ મ્યુઝિકમા ડિગ્રી પણ લીધી. મારો સિંગર બનવાનો પહેલા વિચાર નહોતો પણ ધીરે ધીરે લોકોએ મોટિવેટ કરી અને મારા અવાજ લોકોના દિલમાં વસતો ગયો. આમ પણ દાદા સામતભાઈ કળથિયા અને ભાઈ ધર્મેશ પણ ગાયન ક્ષેત્રે ખુબ સારુ કરે છે તો વારસામાં પણ મળ્યું એમ કહીશ તો ખોટું નહીં પડે. એટસે હવે ગુજરાતમાં ગરબા ક્વિન બનવું છે અને એ દિશામાં મારી મહેનત શરૂ છે. હવે મારું ભવિષ્ય સિંગર તરીકે જ છે એવું માનીને મે મારા પ્રયત્નો શરૂ કરી દીધા છે.