પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7મી મે, 2023ના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રમંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.
ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.
સોના ચાંદીનો ભાવ સૌથી હાઈ રેકોર્ડ પર, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોની બૂમ પડી ગઈ, જાણો નવો ભાવ
ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ તારીખથી માવઠું બંધ થઈ જશે, ખેડૂતો માટે સૌથી મોટી રાહત
કોણે કીધું અદાણી પાસે પૈસા નથી, ખરીદી આટલી મોંઘીદાટ નવી નકોર કાર, આપણે તો આજીવન બેઠા બેઠા ખાઈ લઈએ
ઋષિકેશ પટેલે તમામ ઉમેદવારોને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.