આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એ જ વચ્ચે કલોલ 38-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો અને આ આરોપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેથી પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને માહિતીનો તાગ મેળવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.
ઘટના કંઈક એમ બની કે સ્કૂલની બહાર વિરોધપક્ષ દ્વારા એક પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવ્યું હતું, જેમાં મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતા. આ પ્રાઇવેટ ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવા માટે જણાવવામાં આવી રહ્યું છે એવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે બળદેવજી ઠાકોર સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે ટેબલ હટાવી લેવાનું કહેતાં વિરોધપક્ષના લોકો વચ્ચે ગંદી રીતે ગાળાગાળી થઈ. એ બાદ મામલો ઉગ્ર બની ગયો અને ઝપાઝપી સુધી પહોંચ્યો.
જ્યારે આ ઘટના વાયરલ થઈ તો લોકોના ટોળેટોળા ત્યાં ભેગા થવા લાગ્યા અને મામલો વધારે ગંભીર બની ગયો હતો. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ અને એનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટના વધુ ઉગ્ર બને એ પહેલા સ્થાનિક મતદારોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસકાફલો તાબડતોડ ઘટનાસ્થળ ધસી આવ્યો હતો અને બંને પક્ષોના લોકોને દૂર ખસેડ્યા હતા.