જૂન મહિનામાં એક ઘટના બની હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડ્યો હતો. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ત્યારે હવે ફરીથી ધ્રાંગધ્રાના ગાજણવાવમાં આદિવાસી પરિવારની કિશોરી 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ છે. આ ઘટના બનતાની સાથે જ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં જાણવા મળી રહ્યું છે કે કિશોરી 60 ફૂટે બોરમાં ફસાઇ ગઈ હતી અને બાળકીને હેમખેમ બહાર કાઢી છે.
જેવી જ આ ઘટનાની જાણ થઈ કે આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં બોરમાં ફસાયેલી કિશોરીને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. મળતી વિગતો પ્રમાણે એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમતી હતી. એવામાં જ રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં ખાબકી. એની જાણ થતાં જ બાળકીનાં પરિવારજનો અને આસપાસના લોકો બોર પાસે એકઠા થઈ ગયા હતા અને કિશોરીને બચાવવા કવાયત હાથ ધરી હતી અને બાળકીને આર્મીના જવાનોએ સફળ રીતે બહાર કાઢી છે.
આ છોકરીનું નામ મનીષા જાણવા મળી રહ્યું છે. આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. હાલમાં આ જગ્યાએ આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી અને મામલતદાર તથા આરોગ્ય ટીમ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઓપરેશન હાથ ધર્યું છે. કિશોરીને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિશોરીને બચાવવાનું ઓપરેશન કર્યું હતું અને બાળકીને હેમખેમ કાઢી લીધી છે.