પુત્રવધૂએ પોતાની સાસરીમાંથી રૂ. ૭.૨૦ લાખની મત્તાના મુદ્દામાલ ઘરમાંથી લઈ જઈ વિશ્વાસઘાત કરતા સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાસરીયાની જાણ બહાર પુત્રવધુના કારસ્તાનથી સાસુ પણ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે આઈપીસી ૪૦૬, ૫૦૬ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નડિયાદ શહેરના સંત અન્ના હાઈસ્કૂલ સામે સાંઇબાબા નગરમાં રહેતા ૫૮ વર્ષીય લક્ષ્મીબેન ગોવિંદભાઈ વાઘેલાના બે દીકરા પૈકી નાના દીકરા ચિરાગના લગ્ન સોજીત્રા તાલુકાના કાસોર ગામે રહેતા નયનાબેન ચીમનભાઈ તળપદા સાથે થયા હતા.
તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. વર્ષ ૨૦૦૭માં ચિરાગભાઈ તથા નયનાબેનના છુટાછેડા થયેલા હતાં. ચિરાગભાઈ પોતાના ત્રણેય સંતાનો સાથે પોતાની માતા લક્ષ્મીબેન સાથે નડિયાદ મુકામે રહેતા હતા. ફરિયાદ અનુસાર ૬ વર્ષ પહેલા ચિરાગભાઈને સંતાનો નાનાં હોવાથી સમાજના રીતરિવાજ મુજબ નયનાબેનને છૂટાછેડા લીધેલા હોવા છતાં પણ તેમને ઘરે રહેવા માટે બોલાવ્યા હતા. ત્યારથી નયનાબેન પોતાના સાસરે રહે છે. વર્ષ ૨૦૧૭માં ચિરાગભાઈ પોતાના ત્રણેય સંતાનોને લઈને અમેરિકા રહેવા જતા રહ્યા હતા. આ બાદ પણ નયનાબેન લક્ષ્મીબેન સાથે જ રહેતા હતા.
નયનાબેનને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું જાણવા મળતાં લક્ષ્મીબેને તેને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આ બાદ થોડા સમય માટે લક્ષ્મીબેને પોતાનું આ મકાન પોતાની નણંદ ધર્મિષ્ઠાબેન તથા નણદોઈ રસિકભાઈ વાઘેલાને રહેવા માટે આપ્યું હતું અને લક્ષ્મીબેન પોતે પોતાની સાસરી સુણાવ ખાતે રહેવા જતા રહ્યા હતા. વર્ષ ૨૦૨૧ના નવેમ્બર માસમાં પુત્રવધુ નયનાબેન નડિયાદમાં સાસુ લક્ષ્મીબેનના ઘરે ફરીથી રહેવા માટે આવી ગયા હતા.
તેમજ ધર્મિષ્ઠાબેન અને રસિકભાઈના કપડા ફાડીને કેરોસીન છાંટી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઝઘડો કરતા હતા. જેના કારણે ધર્મિષ્ઠાબેન અને રસિકભાઇએ લક્ષ્મીબેનનું ઘર છોડી નડિયાદ ચકલાસી ભાગોળ ખાતે પોતાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. ગત ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ લક્ષ્મીબેન પોતાના નડિયાદ મુકામે ઘરે આવ્યા હતા. તેમજ ઘરે પહોંચતા તેમને ઘરમાંથી કેટલીક વસ્તુઓ લાપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ફર્નિચર, ઘરેણાં, પાસપોર્ટ મળી કુલ રૂપિયા ૭ લાખ ૨૦ હજારના મુદ્દામાલ નયનાબેને લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી હતી.