ભારતીય ચૂંટણી પંચ (ECI)એ આજથી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટે એક્ઝિટ અથવા ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે શનિવારે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું હતું. પોલ પેનલ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજના પ્રકાશન પર 12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.
ચૂંટણી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નોટિફિકેશન મુજબ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126 (1) (b) હેઠળ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં કોઈપણ ચૂંટણી સંબંધિત મામલામાં ઓપિનિયન પોલ અથવા અન્ય સર્વેના પરિણામો પર પ્રતિબંધ રહેશે. હિમાચલ પ્રદેશ મતદાનના નિષ્કર્ષ માટે નિર્ધારિત 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ અથવા અન્ય કોઈ સર્વેના પરિણામોનું પ્રસારણ અથવા પ્રકાશન પણ પ્રતિબંધિત રહેશે.
આ સાથે કમિશને હિમાચલ પ્રદેશ અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આ એડવાઇઝરીને ગેઝેટ નોટિફિકેશનના રૂપમાં પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત એક નકલ પણ કમિશનને રેકોર્ડ માટે મોકલવામાં આવી શકે છે. સંબંધિત અધિકારીઓને આ એડવાઈઝરી તમામ અખબારો, મીડિયા હાઉસ, રેડિયો અને ટેલિવિઝન ચેનલોને મોકલવાની સલાહ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં શનિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશ સરકારે મતદાનને ધ્યાનમાં રાખીને શનિવારે સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓ માટે જાહેર રજા જાહેર કરી છે. ભાજપે ગુજરાત ચૂંટણી માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી થવાની છે.