પ્રતિક રાઠોડ (ડીસા): ડીસાની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ પાસે વર્ષો અગાઉ તંત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જોકે તેની જાળવણી યોગ્ય ન થતા આ ગાર્ડન મરણ પથારીએ પડ્યું હતું, અનેક વૃક્ષો બળી ગયા હતા અને લોકો ત્યાં ગંદકી કરતા હતા, પત્રકારો અને વહીવટી તંત્રના પ્રયાસથી મરણ પથારીએ પડેલા ગાર્ડનને નવું જીવંત દાન મળ્યું. ગાર્ડનમાં સાફ-સફાઈ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા પાણી બચાવો અને પર્યાવરણની જાળવણી માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ડીસા શહેરના મામલતદાર કચેરી પાસે સરકાર દ્વારા વર્ષો અગાઉ એક ગાર્ડન બનાવી તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જોકે જેતે સમયના અધિકારીઓ દ્વારા ગાર્ડનની યોગ્ય જાળવણી ન થતા આ ગાર્ડનમાં અનેક વૃક્ષો બળી ગયા હતા અને લોકો પણ ત્યાં ગંદકી કરતા હતા, તેને નવજીવન આપવામાં આવ્યું.
આ તકે શહેરના ધારાસભ્ય શશીકાંત પંડયા, નગરપાલિકાના પ્રમુખ રાજુ ઠક્કર, ડીસા મામલતદાર દક્ષિણ પી.આઈ સહિતના અધિકારીઓએ પણ સહયોગ આપ્યો. આ ગાર્ડનની છેલ્લા પંદર દિવસથી સાફ-સફાઈ અને પાણી છાટવાની કામગીરી ચાલતી હતી આ ગાર્ડનમાં જાંબુ જામફળ પીપળો લીમડો સહિતના અલગ-અલગ પ્રકારના વૃક્ષોનુ રોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડીસા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પત્રકાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.