ગાંધીનગર ખાતે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી હસ્તકના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા થયેલી વિશેષ કામગીરી, યોજનાના અમલીકરણ, વિવિધ ઉપલબ્ધિઓ અને સંબંધિત પ્રશ્નો ઉપર સભ્યઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં ગ્રામ વિકાસ સચિવ, ખેતી નિયામક, બાગાયત નિયામક, પશુપાલન નિયામક અને મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા તેમના વિભાગની કામગીરી, યોજનાઓ અને સિદ્ધિઓથી પ્રેઝેન્ટેશનના માધ્યમથી સભ્યઓને અવગત કરતાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના સભ્ય તરીકે ઉપસ્થિત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ગૌતમ ચૌહાણ, જયરામ ગામીત, મનુ પટેલ, હાર્દિક પટેલ અને કાંતિ ખરાડી દ્વારા પાક નુકશાન, પાક ધિરાણ, કિસાન સુવિધા કેન્દ્ર, પશુ દવાખાના, પશુ ડોક્ટર, જૂના ચેકડેમ, મનરેગા યોજના અને પંચાયત ભવનના નિર્માણ સહિતના વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. બેઠકમાં આ રજૂઆતો અંગે બંને પક્ષે હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મંત્રી રાઘવજી પટેલે પણ તમામ રજૂઆતોને ધ્યાને લઇ સંબંધિત અધિકારીશ્રીઓને યોગ્ય તપાસ કરી તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠકના સભ્યનો આભાર માનતા જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન ધારાસભ્યઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઇ તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. પારદર્શી વહીવટ અને જન કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે નક્કી કરેલો લક્ષ્યાંક ઝડપી પૂર્ણ કરવો એ રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય છે. કૃષિ, પશુપાલન સહિતના તેમના વિભાગો પણ સમયાંતરે સમીક્ષા બેઠક યોજીને પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવવામાં સક્રિય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાઘવજી પટેલે ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવામાં સ્થાયી પરામર્શ સમીતિ જેવી બેઠકોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રાસરૂટના પ્રશ્નોને ધારાસભ્યશ્રીઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે, અને તેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે. એટલે જ આ બેઠકમાં સૂચનો કરવા બદલ મંત્રીએ તમામ ધારાસભ્યઓનો આભાર માન્યો હતો. આ બેઠકમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, કમિશ્નર અને સચિવ, ગ્રામ વિકાસ મનીષા ચંદ્રા, પશુપાલન, મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ તેમજ કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનીવર્સીટીઓના કુલપતિઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.