ગુજરાતમાં બ્રેક બાદ ફરીથી મેઘ સવારી આવી રહી છે. ફરીથી હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસ રાજ્યમાં મેઘો મન મૂકીને વરસશે. રાજ્યમાં આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, ૮, ૯ અને ૧૦ ઓગસ્ટ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
આ ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની અસર રાજ્યમાં જાેવા મળશે. આ સમયમાં વરસાદી ટર્ફ પસાર થશે, જેનાથી અત્યંત ભારે વરસાદ પડશે. રાજસ્થાનમાં અપરએર સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. બેથી ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય તતા ગુજરાતમાં સારો વરસાદ રહેશે. તેથી ૮ અને ૯ ઓગસ્ટે ગુજરાતના માછીમારોને દરિયોન ખેડવા સૂચના અપાઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ ૫ ઈંચ અને ધ્રાંગધ્રામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદ અને ગઢડામાં ૪ ઈંચ, સુરત શહેરમાં ૩.૫ ઈંચ વરસાદ પડ્યો છે.
વરસાદના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો સરેરાશ ૭૪.૭૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સીઝનનો સૌથી વધુ ૧૨૧ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો ૮૬.૨૭ ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ૬૨, સૌરાષ્ટ્રમાં ૬૭ ટકા વરસાદ ખાબક્યો છે.