રાજ્યમાં વરસાદ સ્થિતિને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું જાેર રહશે. આજે ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વધુમાં અમદાવાદ અને ગાંધીનગરમા પણ આજે સામાન્ય વરસાદ વરશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
દરિયામાં લો પ્રેશર સર્જાયું હોવાથી વરસાદી સિસ્ટમ સક્રિય બની હોવાનું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સમુદ્રમાં સક્રિય સિસ્ટમને લઇને વરસાદના જાેરમાં વધારો થઇ શકે છે. આથી સલામતીના ભાગરુપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ત્રણ દિવસ બાદ વરસાદનું જાેર ઘટશે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અરવવલ્લી, મહીસાગર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદ પડવાનું પણ જણાવાયું છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવાયા અનુસાર આવતીકાલે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદ ત્રાટકી શકે છે. સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની વકી રહેલી છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમીરગઢમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદમાં ૧૬ મીમી, ધરમપુરમાં ૧૪ મીમી,કપરાડામાં ૧૩ મીમી, અને દીયોદરમાં ૧૩ મીમી વરસાદ પડ્યો છે. એ જે રીતે વઘઈમાં ૧૧ મીમી, લાખણીમાં ૧૧ મીમી તથા ડાંગમાં ૯ મીમી, ચીખલીમાં ૮ મીમી અને ખેરગામમાં ૮ મીમી, માળિયામાં ૮ મીમી વરસાદ નોંધાયો છે.