હાલમાં ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. સોનુ હોય કે પેટ્રોલ ડીઝલ બધાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તેલના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. સિંગતેલમાં આગઝરતી બેકાબૂ તેજીથી વધુ રૂ.70ના તોતિંગ ભાવ વધારો થતા નવા સિંગતેલ ડબ્બાના ભાવ હવે રૂ.3000એ પહોંચી ગયા છે. આ રેકોર્ડ પહેલીવાર બન્યો છે. તેલના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં આટલા ઊંચા ભાવ જોવા મળ્યા નથી.
આ સાથે જ વેપારીઓએ વાત કરી હતી કે સરકારે ખાદ્યતેલોના ભાવ નિયંત્રણમાં લેવા અનેક જાહેરાતો કરી છે પરંતુ તે પગલાંની ગુજરાતના સ્થાનિક એવા સિંગતેલના ભાવ પર કોઇ અસર જોવા મળી નથી. જો કે એક વાત એ પણ છે કે સિંગતેલના રોજ રોજ વધતા ભાવમાં સટ્ટાખોરીની પણ ગંધ આવી રહી છે. ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વહેપારી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ ભાવો નીચે મુજબ છે. જેમાં ઓગસ્ટની 10મીએ સિંગતેલ નવો ડબ્બો રૂ.2080 હતા જે આજે 25મી ઑગસ્ટના રોજ રૂ.3000 પહોંચી ગયો છે. આમ 15 દિવસમાં તેલના ડબ્બામાં રૂ.180નો ઉછાળો આવ્યો છે
સૂત્રોના જણાવ્યાનુસાર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પામતેલમાં તીવ્ર તેજીના પગલે પામતેલ, કપાસિયા અને સિંગતેલના ભાવ એક સપાટીએ આવી ગયા હતા અને તે કારણે ગુજરાતમાં સિંગતેલનો વપરાશ જે 5 ટકાની આસપાસ હતો તે વધીને 25 ટકાએ પહોંચ્યો હતો. જો કે માહિતી એવી પણ મળી રહી છે કે 25 ટકા બાદ પામતેલના ભાવ ઘટવા લાગ્યા. એક સપ્તાહમાં રૂ.180નો ઘટાડો થતા પામતેલનો ડબ્બો રૂ.1950એ આવી પહોંચ્યો છે ત્યારે સિંગતેલ વધીને રૂ.3000 એ પહોંચતા બન્ને તેલ વચ્ચે રૂ.1050નો ફરક થઇ ગયો છે.