રાજ્યમાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓ હવે સરકાર સામે મેદાને આવી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે રાજ્યભરના શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરશે અને રાજ્યના 7 ઝોન કક્ષાએ રેલી કરી પોતાની માંગ મુકાશે. આ સાથે 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો માસ CL પર ઉતરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
આ અગાઉ પોલીસ ગ્રેડ પે, આરોગ્ય કર્મીઓ પોતાની માંગ લઈને હડતાળ કરી હતી. આ બાદ તલાટીઓમાં અને શિક્ષકોએ હવે બાયો ચઢાવી છે અને જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સાયમાં મોટા આંદોલનની ચીમકી પણ સરકારને આપી દીધી છે. શિક્ષકો પોતાની ૧૫ જેટલી માંગને લઈને સરકાર સામે મેદાને આવ્યા છે જેમાં પેન્શન યોજનાને લઈને તેઓ નારાજ છે.
મળતી માહિતી મુજબ 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો એક સાથે રજા પર ઉતરશે અને જો તેમની માંગ અંગે સરકાર કોઈ જવાબ નહિ આપે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેનડાઉન કાર્યક્રમ કરશે. આ બાદ ફરી 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જશે. એક તરફ રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે બીજી તરફ એક પછી એક માંગને લઈને કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે.