હાલમાં જ લઠ્ઠાકાંડ થયો હતો અને ઘણા ગુજરાતીઓનો જીવ ગયો હતો. દેશી દારૂની આડમાં અમુક લુખ્ખા તત્વોએ પરાક્રમ કર્યા અને જેના લીધે ઘણા લોકોને જીવથી હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે પોલીસ કંઈ કરે કે ના કરે પણ જનતા એક્ટિવ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. એને કારણે દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ પણ ચાલતું હોવાના પુરાવા મળી રહ્યા છે. જો કે હવે આ ગામમાં એક નવી જ ક્રાંતિ જોવા મળી રહી છે.
આ નાના નાના ગામડે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આનું એક ઉદાહરણ ખંડીબારા ગામમાં જોવા મળ્યું છે. ખંડીબારામાં સ્વતંત્રતા દિવસે દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી દીધી. સાથે જ એવી જોરદાર ઉજવણી કરવામાં આવી કે લોકો જોતા રહી ગયા. કવાંટ તાલુકાના ખંડીબારા ગામમાં દેશી દારૂની ઉત્પાદન અને વેચાણ ચાલતું હોવાથી ગ્રામજનોમાં એક લેવલે રોષ જોવા મળ્યો અને બધાએ વિચાર્યું કે આ વાતનું કંઈક તો સમાધાન લાવવું જ રહ્યું.
સ્વતંત્રતા પર્વના દિવસે આ દેશીદારૂ બંધ કરાવવા માટે ગામના રામજી મંદિર પટાંગણમાં લોકો બહોળી સંખ્યામાં ભેગા થઈને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાનું નક્કી કર્યું હતું. ગામમાં રેલી કાઢી દેશી દારૂના અડ્ડા પર જઈ તેમને આ ધંધો બંધ કરવાની જાણ કરી હતી. છતાં પણ ગામમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. તમામ ભઠ્ઠીઓની તોડફોડ કરીને દેશી દારૂ બનાવવાનો સામાન રામી ડેમની કેનાલમાં પધરાવી દીધો હતો. બાળકો હોય કે મોટા બધા જ લોકો આ કામમાં સાથ આપવા માટે જોડાયા હતા અને વિરોધનો સુર રેલાયો હતો.