હાલમાં પરિસ્થિતિ એવી છે કે લીંબુનો ભાવ હાલ એક કિલોએ 300થી વધુ રૂપિયા છે. લોકો ભારે પરેશાન છે. ત્યારે એ બધી વાત વચ્ચે ધોરાજીના હીરપરા વિસ્તારમાં મોણપરા પરિવારના દીકરાના લગ્નપ્રસંગમાં એક અનોખો જ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પીઠી ચોળવાની વિધિમાં રૂપિયા કે દાગીનાની જગ્યાએ મિત્રોએ મીઠાઈનાં બોક્સમાં મોંઘેરાં લીંબુની ગિફ્ટ આપીને વાતાવરણ પણ મજાકિયું બની ગયું હતું. વરરાજાને ગિફ્ટરૂપે મીઠાઈના બોક્સમાં લીંબુ અપાતાં મહેમાનો અને વરરાજાના ચહેરા પર હાસ્ય લહેરાયું હતું.
વિગતે વાત કરવામાં આવે તો ગિફ્ટ આપવાનો હેતુ કદાચ એ હશે કે લીંબુના ભાવ એટલા ઊંચકાયા છે કે લીંબુ કોઈને મોંઘી ભેટ તરીકે પણ આપી શકાય. લીંબુના વધતા જતા ભાવને કારણે અનોખી રીતે સૌકોઈનું ધ્યાન ખેંચવા વિરોધ નોધાવ્યો હતો અને મહેમાનો પણ હસી પડ્યા હતા. ત્યારે લગ્નપ્રસંગમા આવેલા દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ લગ્નગાળાની સીઝન છે, જેમાં લીંબુની ખાસ જરૂરિયાત હોય છે.
દિનેશભાઈ કહે છે કે આવા મોંઘવારીના સંજોગોની અંદર અમારા વિસ્તારોમાં પ્રશાંત મોણપરાના લગ્નમાં વરરાજાએ અમે સોના-ચાંદી કે રોકડ રકમને બદલે લીંબુ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા છે. આડકતરી રીતે અમે સરકારને કહેવા માગીએ છીએ કે હાલમાં શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ ભાવો અંકુશમાં લાવવા સરકાર પ્રયાસ કરે. આ રીતે એક વિરોધ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી.