સામાન્ય રીતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના કડક સ્વભાવ માટે જાણીતા છે અને ચૂંટણી સમયે ભાજપ સામેના પડકારો દૂર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે. ત્યારે આ વખતે પોતાના ગૃહ રાજ્યમાં વધુ એકવાર અમિત શાહ મિશન 182 ને સાકાર કરવા રણ મેદાનમાં ઉતાર્યા છે. તેમના આ દિવાળી પર્વની મુલાકાત કેટલા આગેવાનોની દિવાળી બગાડશે અને કેટલાની સુધારશે તે 27 ઓક્ટોબર બાદ સ્પષ્ટ થશે. કારણ કે તે આ વખતે ગુજરાતમાં દિવાળી કરવાના છે અને 4 દિવસ વતનના પ્રવાસે છે.
તારીખ પ્રમાણે વાત કરીએ તો કંઈક આ રીતે તેમની સભાઓ થવાની છે…
22 ઓક્ટોબર – વલસાડ
23 ઓક્ટોબર – વડોદરા
24 ઓક્ટોબર – બનાસકાંઠા પાલનપુર
25 ઓક્ટોબર – સોમનાથ
26 ઓક્ટોબર – પરત દિલ્હી ફરજે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની તૈયારી જ છે. એ પહેલાં ભાજપનું કેન્દ્રિય અને પ્રદેશ નેતૃત્વ કાર્યકરો સાથે દિવાળી પર્વ મનાવશે. એક વસ્તુ સૌ કોઈ જોઈ જ રહ્યાં છે કે છેલ્લા 2 મહિનાથી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હવે દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન પણ ભાજપનું શીર્ષષ્ઠ નેતૃત્વ કાર્યકરો વચ્ચે રહેશે. એક તરફ પ્રજા માટે વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ કાર્યકરો અને નેતાઓ વચ્ચે સમય વિતાવીને તમામ ચોગઠા ફિટ કરતાં જોવા મળી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદ પહોંચશે અને 26 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જ રહેશે.