ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીના દિગ્ગજો જનતાને રીજવવા લાગી ગયા છે. ઘણા ખાતમુહૂર્ત પણ થઈ રહ્યા છે. આ વચ્ચે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે એક ટ્વીટ કર્યુ છે જે વાયરલ થયુ છે. આ વિશે વિગતે વાત કરીએ તો બે દિવસ અગાઉ ભાવનગરમા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ આવ્યા હતા અને તેમણે અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા.
આ બાદ જયવીરરાજસિંહ ગોહીલનુ આ ટ્વીટ સામે આવ્યુ છે. આ સિવાય આ દિવસે તેમણે ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. તેઓ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા અને ટ્વીટ કરી ગુજરાતના રસ્તાના વખાણ કર્યા, વીડિયો પણ શેર કર્યો હતો.
કિરણ રિજ્જુને વળતો જવાબ આપતા જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કર્યુ છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે.
યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ મેદાને આવતા કહ્યુ છે કે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ પર કોઈ ધ્યાન આપત્ય નથી. અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકે તો, રાજીનામું આપી દે. સાથે જ રાજકીય પક્ષોને ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચવામા આવે. ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ.