ગુજરાત પોલીસ પોતાના પારંપારિક ખાખી ડ્રેસને બદલી નાંખીને નવી ડિઝાઇન વાળો આકર્ષક ડ્રેસ તૈયાર કરાવવાની દિશામાં આગળ વધી રહી છે. પોતાની સ્ટાઇલ અને કામકાજ વચ્ચે સંતુલન સાધી રાખતા ગુજરાત પોલીસ એક ખાનગી યુનિવર્સિટીના સહયોગમાં રહીને પોલીસદળને એક તદ્દન નવો જ અને આકર્ષક લૂક આપવાની તૈયારી કરી રહી છે. સૂચિત નવો ડ્રેસ પોલીસ જવાન અને અધિકારીઓને ગુનાની જગ્યાએ અત્યંત ચપળ એવા ફ્રન્ટલાઇન સૈનિકમાં તબદીલ કરી નાંખશે.
હાલનો ખાખી ડ્રેસ ખૂબ ચુસ્ત છે અને ટેરીકોટનનો બનેલો છે જ્યારે નવો દાખલ થનારા ડ્રેસની ડિઝાઇનમાં પોલીસ જવાનને સંપૂર્ણ સગવડ પડે એવા ખુલતા ડ્રેસની તરફેણ કરવામાં આવી છે. પોલીસ યુનિફોર્મ બદલવા માટે હાથ ધરાયેલા સર્વેના તારણોના એક ભાગ તરીકે ગુજરાત પોલીસનો ડ્રેસ બદલવાની યોજના હાથ ધરાઇ છે. ગુજરાતમાં પડતી આકરી ગરમીમાં પોલીસ જવાનોનો ચૂસ્ત અને ટેરીકોટનનો ડ્રેસ ખૂબ અગવડ પેદા કરે છે તેથી પોલીસનો ડ્રેસ બદલવા અંગે એક સર્વે હાથ ધરાયો હતો.
ગુજરાત પોલીસ હાલ તેઓના અધિકારીઓ માટે ઉચ્ચ કોટિના સર્વશ્રેષ્ઠ બુટ પસંદ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. અધિકારીઓ માટે બુટની ડિઝાઇન પસંદ કરવા માટે રચાયેલી સમિતિના સભ્યો હાલમાં કેટલીક નેશનલ અને કેટલીક ઇન્ટરનેશનલ બ્રાન્ડના બુટની ચકાસણી કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં જ તેઓ આ અંગેની જાહેરાત કરે એવી શક્યતા છે.
ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ ‘નવગુજરાત સમય’ને કહ્યું હતું કે, તાજેતરમાં જ નાગાલેન્ડ પોલીસ તંત્રે પોલીસ જવાનો અને અધિકારીઓના પારંપારિક ડ્રેસ બદલીને ખુલતા શર્ટ અને કાર્ગો પેન્ટનો ડ્રેસ દાખલ કર્યો છે. ગુજરાત પોલીસમાં જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતો વર્તમાન ડ્રેસ ખૂબ ટાઇટ અને ચૂસ્ત છે અને પેન્ટ પહેરી રાખવામાં પણ અગવડ પડે છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઇઝેશન દ્વારા આ અગાઉ પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરી હતી એમ અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચોઃ
ગુજરાત પોલીસ માટેના સૂચિત નવા યુનિફોર્મમાં સુતરાઉ મિશ્રિત કાપડના લાંબી બાંયના શર્ટ અને ટ્રાઉઝર (પેન્ટ)નો સમાવેશ થાય છે. હાથ ધરાયેલા સર્વેમાં પોલીસ જવાન અને અધિકારોના ટપકાં ટપકાં વાળા કે પછી લશ્કરના સૈનિક જેવા શર્ટ, કાર્ગો પેન્ટ અને હાઇકિંગ બુટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક એવી પણ માહિતી પ્રાપ્ત થઇ છે કે સૂચિત નવા ડ્રેસમાં પોલીસ અધિકારીના હોદ્દાને દર્શાવતો સ્ટાર યુનિફોર્મ ઉપર લગાડવાનો રહેશે નહીં. તેના સ્થાને આર્મીના અધિકારીઓના યુનિફોર્મ ઉપર એમ્બ્રોયડરી કરેલા નાના ફ્લેગ હોય છે એવા ફ્લેગ મૂકાશે એમ ડીજીપીની ઓફિસના એક અધિકારીએ કહ્યું હતું.