Vadodara News: વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા.
તમને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થઈ ગયા છે અને તાત્કાલિક રેસ્ક્યૂ કામગિરી કરવાના આદેશો પણ આપ્યા છે.
આ ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 10 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.
આ ઘટના પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. X પર લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.