Vadodara Harani lake: વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે.
જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.
બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનાં નામ સામે આવ્યા છે. જે બાળકોના મોત થયા છે, જેમાં વિશ્વા નિઝામા, નેન્સી માછી, સકીના શેખ અને મુવાવઝા શેખ, ઝુહાબિયા સુબેદાર અને આયેશા ખલીફા, આયત મનસૂરી અને રેહાન ખલીફાનું મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.
જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે, જ્યારે 1 બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હજી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટમાં કુલ 31 લોકો સવાર હતા.
બોટમાં 14 લોકોની ક્ષમતા છે, છતાં 31 લોકોને કેમ બેસાડવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફ બોટમાં સવાર હતા. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થઈ ગયા છે અને તાત્કાલિક રેસ્ક્યૂ કામગિરી કરવાના આદેશો પણ આપ્યા છે. તથા આ ઘટના પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. X પર લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે.
જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
આ સાથે રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.