Gujarat News : જામનગર (jamanagar) જિલ્લાના ધ્રોલ (dhrol) શહેરમાં એક લુખ્ખો બેફામ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા કડક કામગીરીના દાવા વચ્ચે પણ રાત્રીના સમયગાળા દરમિયાન એક શખ્સે ધ્રોલની મોચી બજાર માથે લીધી હતી. રાત્રીના સમયે આરોપીએ ઉભી બજારે બેફામ વાણીવિલાસ કરતા વિસ્તારવાસીઓમા રીતસરનો ફફડાટ મચ્યો હતો. આ આરોપીએ હનુમાનજીના મંદિરમાં (Hanumanji temple) પણ તોડફોડ કરી હોવાનું બહાર આવતા લોકોમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે.
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી
ધ્રોલના મોચીબજારમાં આવેલ હનુમાનજીના મંદિરમાં તોડફોડની ચકચારી ઘટના બહાર આવી છે, મંદિરમાં તોડફોડને પગલે હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જેને લઈને હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મંદિરમાં તોડફોડ થતાં લોકોમાં રોષ
બીજી તરફ ધ્રોલની મોચી બજારમાં રહેતા તેજશભાઈ મુકુંદરાય ફિચડિયા નામના સોની વેપારીએ ધ્રોલમા જ રહેતા આસિફ કાસમભાઈ બિનસીદીક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આ શખ્સ પોતાના વિસ્તારમાં રાત્રે બેફામ બન્યો હતો. તેણે વિસ્તારમાં છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકી અને બે કટકે ગાળો ભાંડી હતી અને વેપારીની કારના કાચ તોડી નાખ્યાંની ફરિયાદ કરી હતી. ખાસ વાત એ છે કે આસિફ કાસમભાઈ બિનસીદીક નામના આરોપીએ જ મોચી બજારમાં આવેલ આ મંદિરની મૂર્તિ ખંડીત કરી તોડફોડ કર્યાના આરોપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે. સાથે લોકોમાં વિરોધનો મધપૂડો પણ છંછેડાયો છે.